મહેસાણા : તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બસની સુવિધા આપવામાં રાજ્યમાં જીએસઆરટીસી GSRTC મહેસાણા ડિવિઝને કાઠું કાઢ્યું હતું. મહેસાણા ડિવિઝનની 500 બસમાં 30000થી વધુ લોકોએ એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરી હતી. માત્ર એક જ દિવસમાં 1.03 કરોડ આવક મેળવવામાં આવી છે. કડી ડેપોએ પોતાના ઇતિહાસમાં પહેલીવાર 10.19 લાખ આવક મેળવી હોવાનું પણ સામે આવ્યું છે.
12 ડેપોની કુલ 1.03 કરોડ આવક : વિગતથી વાત કરીએ તો તાજેતરમાં રાજ્યની અંદર લેવામાં આવેલ તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ મહેસાણા જિલ્લામાં તંત્ર સતત એક્ટિવ રહ્યું હતું. તમામ આયોજનો વચ્ચે મહેસાણા જીએસઆરટીસી વિભાગે આ પરીક્ષાના આયોજનમાં કાઠું કાઢી બતાવ્યું છે. સમગ્ર રાજ્યમાં મહેસાણા ST બસ ડિવિઝન દ્વારા પરીક્ષાના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી અંતર જિલ્લામાં પરિક્ષાર્થીઓને લાવવા લઈ જવા માટે 500 જેટલી એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી. જેમાં પરીક્ષાના દિવસે 30000થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેથી જીએસઆરટીસીના મહેસાણા ડીવીઝનના 12 ડેપોની 1.03 કરોડ જેટલી આવક રાજ્યમાં મોખરે રહી છે.
આ પણ વાંચો |
કડી ડેપોમાં ઇતિહાસ રચાયો : મહત્વનું છે કે પરીક્ષાના દિવસે મહેસાણા જિલ્લાના કડી ડેપોમાં પ્રથમવાર સૌથી વધુ 10.19 લાખ આવક નોંધાઈ છે આમ પરીક્ષાર્થીઓને સારી સેવા આપવા મામલે રાજ્યમાં મોખરે રહેનાર મહેસાણા વિભાગના ડેપોની તિજોરીઓ લાખ્ખોની આવકથી છલકાઇ છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે જિલ્લામાં 48000 ઉમેદવારો માટે 142 પરીક્ષા કેન્દ્રોના 1600 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા કરાઇ હતી.
36 રુટો પર વીડિયોગ્રાફી : જિલ્લાતંત્રની તૈયારીઓ મહેસાણા જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે કરાયેલ આયોજનના ભાગ રૂપે સુરક્ષા બંદોબસ્તની જવાબદારી માટે પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. જિલ્લામાં ગાંધીનગરથી 2 SRP હાફ સેક્શન બોલાવવામાં આવ્યા હતાં. જે 2 PSIના સંકલનમાં રહી સ્ટ્રોંગ રૂમને લોખંડી સુરક્ષા અપાઈ હતી. સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર પર પેપર મોકલવાના 36 રૂટ પરના તમામ વાહનોમાં 36 હથિયારધારી પોલીસ ગાર્ડ તહેનાત રખાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ 36 રુટો પર વીડિયોગ્રાફી સાથે પેપર પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવ્યા હતાં.
ટ્રાફિક નિયમનનું ધ્યાન રખાયું : 300ની સંખ્યામાં પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર 2 મહિલા અને 2 પુરુષ સાથે કુલ 4 પોલીસકર્મીઓ ફરજ પર હતા અને પરીક્ષા કેન્દ્ર બહાર ટ્રાફિક નિયમન માટે 2 પોલિસ જવાનો ખડેપગે રહ્યા હતાં જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં PI અને PSI તેમને જણાવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નિરીક્ષણ કરી નિયંત્રણ રાખવામાં આવ્યું હતુ. કુલ 900થી વધુ પોલીસ સ્ટાફ આ પરીક્ષા કામગીરીમાં રોકાયેલો રહ્યો હતો.