મહેસાણાઃ દૂધ સાગર ડેરી સહિત ગામે ગામ અનેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં પશુપાલકો પોતાના દુધાળા પશુઓ દોહવા બેસે ત્યારે હાથ સ્વચ્છ કરી અને મોઢે માસ્ક કે રૂમાલ બાંધે છે. જેથી છીંક કે ઉધરસ આવે તો કોઈ પ્રકારના બેક્ટેરિયા દૂધમાં ન ભળે. જ્યારે કડી તાલુકાની મેડા આદરાજ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા દૂધ ભરાવવા કે ખરીદી કરવા આવતા તમામ 700 જેટલા ગ્રાહકોને મોઢે માસ્ક કે રૂમાલ બાંધવાની સૂચના અપાઈ છે.
અહીં આવતા તમામ લોકો ડેરીમાં પ્રવેશતા જ પહેલા તો પોતાના હાથ સેનેટાઇઝરથી સાફ કરે છે, બાદમાં ડેરીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ માટે વર્તુળ દોરેલા ચિન્હો પર જઈને એક બીજાથી અંતર રાખી ઉભા રહે છે, આમ આહાર માટે દ્રવ્ય તરીકે પહેલી જરૂરિયાત ગણાતા દૂધના ઉત્પાદનમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા આબેહૂબ વ્યવસ્થા કરી જરૂરી તકેદારીઓ મેડા આદરાજ ગામ સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં રાખવામાં આવી રહી છે.