મહેસાણા: બાસણાની સીમમાં થયેલ 21 વર્ષીય યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. બનાવના ચાર દિવસમાં પોલીસે સંયોગિક પુરાવા અને હત્યારા રીક્ષા ચાલકની કબૂલાત આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. યુવતીને મહેસાણાથી વિસનગર તરફ રીક્ષામાં બેસાડી નીકળેલ રીક્ષા ચાલકે જ યુવતીને રસ્તામાં ઉતારી દઈ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ અને હત્યા કરી હતી. પોલીસે હત્યારા રીક્ષા ચાલકની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી મુક્યો છે.
પકડાઈ જવાના ભયથી યુવતીની હત્યા: મહેસાણા જિલ્લામાં 21 વર્ષીય નોકરિયાત યુવતી સાથે બનેલી દર્દનાક હત્યાની ઘટનામાં પોલીસે શંકાસ્પદ રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો. રીક્ષાચાલકની સઘન તપાસ પૂછતાછ કરવામાં આવતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં પોલીસના હાથે ઝડપાયેલ શંકાસ્પદ રીક્ષાચાલક વિજય ઉદાજી ઠાકોર જ યુવતીનો હત્યારો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો. હત્યાના આરોપી રીક્ષા ચાલકે પોતે યુવતીને મહેસાણાથી રિક્ષામાં બેસાડી વિસનગર જતો હતો. ત્યાં રસ્તામાં યુવતીને બાસણા ગામની સીમમાં આવેલ એરંડાના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદમાં પકડાઈ જવાના ભયથી યુવતીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
જિલ્લા પોલીસની 10 ટીમો કામે લાગી: પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા SITની રચના કરાઈ હતી. મહેસાણા જિલ્લામાં સામે આવેલ હત્યાના બનાવ મામલે જિલ્લા પોલીસની 10 ટીમો કામે લાગી હતી. પોલીસ દ્વારા 1000 વાહનોની મુવમેન્ટ, 30 જેટલી રિક્ષાઓ, 150 થી વધુ સીસીટીવી કેમેરા સહિતના પાસાઓ તપાસવામાં આવ્યા હતા. જયારે 200થી વધુ લોકોના નિવેદનો લેવાયા હતા. જેમાંથી એક રીક્ષા બનાવના બે દિવસ સુધી તેના સ્ટેન્ડ પર ન આવતા પોલીસે રીક્ષાચાલકની ધરપકડ કરી હતી. બાદમાં રીક્ષા ચાલકને શોધી પોલીસે બનાવનું રીકન્સ્ટ્રકશન કરી અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ: પોલીસના જાણકાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રીક્ષા ચાલકે રીક્ષામાં બેસનાર યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી પકડાઈ જવાના ડરે યુવતીની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ યુવતીનો મોબાઈલ બનાવ સ્થળથી દુર તળેટીગામ પાસેના વ્હેળા પર ફેંકી દીધો હતો. બાદમાં રીક્ષા પરનું ગોગા મહારાજનું સ્ટીકર ઉખાડી લીધું હતું. જ્યારે પોલીસે શંકા આધારે રીક્ષા ચાલક વિજય ઠાકોરને પકડી પાડતા તેને પોલીસને ગુમરાહ કરવા માટે મનગડત કહાની બનાવી મૃતક યુવતી તેની રિક્ષામાં એક દાઢીવાળા શખ્સ સાથે બેઠી હતી અને તે બન્ને બાસણા ખાતે ઉતરી ગયા હતા તેવું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: Surat Crime : સુરતમાં 5 વર્ષની બાળકીની હત્યા કે દુષ્કર્મ, પોલિસ અને હોસ્પિટલના નિવેદનો છે અલગ
આરોપી રીક્ષાચાલક સામે ગુનો દાખલ: યુવતીના હત્યા પ્રકરણમાં પોલીસે 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જ્યારે અત્યાર સુધીની તપાસમાં રીક્ષાચાલકે કબૂલાત કરતા યુવતીનું અપહરણ કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવતા અપહરણ, દુષ્કર્મ, હત્યા અને ભોગ બનનાર સિડયુલ કાષ્ટની હોઈ એટ્રોસિટીની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.