- મહેસાણાની કેટલીક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા
- વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને પગલે હવે જનતારાજ જોવા મળ્યું
- શાસકોને અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોએ સ્વયં નિર્ણય લીધો
- મહેસાણામાં રાજકીય લોકો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા
મહેસાણાઃ જિલ્લો રાજકારણ ક્ષેત્રે ખૂબ પ્રગતિશીલ છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકારણ પર જનતાનો અવાજ ભારે પડી શકે છે તેવો ઘાટ ઘડાયો છે. જી હાં વાત છે મહેસાણાની શાણી જનતાના પ્રાણ પ્રશ્નોની. પાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, પાણીની સમસ્યાની અનેક રજૂઆતો આવી છતાં શાસકો આ તમામ રજૂઆતોને ઘોળીને પી જતા હતા. એટલે છેવટે આવા અકડું વલણથી કંટાળીને સોસાયટીના લોકોએ નો એન્ટ્રીના બેનરો લગાવી દીધા છે. હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોઈ હવે મોકો નાગરિકો પાસે છે કે, નેતાઓને કેમ સરખા કરવા ત્યારે મહેસાણા શહેર ભાગ 1 અને 2ની કેટલીક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય લેતા સોસાયટી મંડળો દ્વારા સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
સમસ્યા હલ કરવાને નામે દિલાસો જ મળતો હવે વોટ માટે નેતાઓ વલખા મારશે..!
ચૂંટણીએ સ્થાનિક સ્વરાજ્યના સંચાલન માટે યોગ્ય પક્ષ પાર્ટી કે વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન સોંપવા માટે નાગરિકોનો મત લેવાની પ્રક્રિયા હોય છે, જેમાં નાગરિકો ઉમેદવારો પર પોતાનો વિશ્વાસ મૂકી મતદાન કરી સત્તા તેના હાથમાં સોંપતા હોય છે. જોકે, આ પ્રજાનો વિશ્વાસ નેતા ચૂંટણીઓ જીતી ગયા પછી બે કોડીનો કરી નેતાઓ પોતાની મરજી મુજબ કામ કરતા હોય છે. મતદારો સાથે ઘણો અન્યાય થતો હોય છે. બસ આ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહેસાણા શહેરના કેટલાક વિસ્તારોમાં સોસાયટી મંડળોએ સામુહિક નિર્ણય કરતા રાજકીય પક્ષઓના પ્રવેશ પર રોક લગાવી તેમના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ન કરવા દેવાની બીડું ઝડપ્યું છે ત્યારે આજે મહેસાણાની જનતાએ નેતાઓ માટે જેવા સાથે તેવાનો દાવ રમતા હવે ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની સ્થિતિ કેવી થાય છે તે તો જોવું રહ્યું.