‘પ્રધાનમંત્રી માતૃત્વ વંદના’ યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઝીંઝવા ગામના ભાઠીયા ફળીયાની સગર્ભા મહિલાઓને મળી રહ્યો છે. જેમાં સગર્ભા માતાઓને સોમવારથી શનિવાર સુધી ભોજન, સપ્તાહમાં બે દિવસ દુધ સંજીવની, ચાર પેકેટ માતૃશક્તિના આપવામાં આવે છે.
‘પ્રધાનમંત્રી માતૃ વંદના’ યોજના હેઠળ પ્રથમ સગર્ભાવસ્થા સમયે સગર્ભાને પોતાના રોજગાર ગુમાવ્યાની સામે આર્થિક વળતરના ભાગ રૂપે રૂપિયા 5,000ની સહાયની રકમ DBT મારફત સીધે સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં જમા આપવામાં આવે છે. સગર્ભા પોતાના અને બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આ રકમ ઉપયોગમાં લે છે. મહીસાગર જિલ્લામાં વર્ષ 2018/19 માં કુલ 6,420 સગર્ભા લાભાર્થીઓને કુલ 32.10 લાખની રકમ સહાય પેટે મળેલી છે. આ કામગીરીમાં વર્ષ 2018/19 માં સમગ્ર રાજ્યમાં મહીસાગર જિલ્લાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. તેમજ વર્ષ 2018/19 માં કુલ 2,886 સગર્ભા લાભાર્થીઓને કુલ રૂપિયા 9.7 લાખની રકમ સહાય પેટે મળી છે. હાલ રાજ્યમાં મહીસાગર જિલ્લાનો પ્રથમ ક્રમાંક જળવાઈ રહ્યો છે, જે મહીસાગર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. જેના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબ કુટુંબના કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરામ મળતો નથી, શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળ બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. ઘણી વખત શિશુ મરણના દાખલા પણ બને છે. તેનાથી બચવા માટેના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની અને પોષણની ચિંતા કરીને ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શરુ કરી છે. માતાઓને મળી રહેલા પોષણ લાભ લઈને કડાણા તાલુકાના ઝીંઝવા ગામના ભાઠીયા ફળીયાની આંગણવાડી વિસ્તારની મહિલાઓ ખુશ થઈને સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે.