- LCBએ બાતમી આધારે હથિયાર ઝડપ્યાં
- કાપડની થેલીમાં 4 દેશી તમંચા, 1 સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 31 નંગ કારટ્રીઝ મળી આવ્યાં
- LCBએ બે આરોપીની અટકાયત કરી
મહેસાણાઃ શહેરમાં LCBએ હથિયારો સાથે બે આરોપીની અટકાયત કરી છે. LCBએ બાતમીના આધારે શહેરના આંબેડકર ચોક કસ્બા વિસ્તારમાં વોચ ગોઠવી શકમંદોની તપાસ કરતા બે ઈસમો પાસે રહેલી કપડાંની થેલીમાં હથિયારો મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે બન્ને ઇશમોની અટકાયત કરી છે.
એક આરોપી હથિયારોનો સપ્લાયર હોવાનું આવ્યું સામે
પોલીસ તપાસમાં ગેરકાનૂની રીતે હથિયાર સાથે ઝડપાયેલા બે શખ્સો પૈકી એક કિરણ ઠાકોર હથિયારોનો સપ્લાયર હોવાની માહિતી સામે આવી છે. પોલીસે કબ્જે કરેલા હથિયારોમાં એક સેમી ઓટોમેટિક પિસ્તોલ, 4 દેશી તમંચા અને 31 કારટ્રીઝ મળી આવી છે, જેને પોલીસ દ્વારા પુરાવાના ભાગ રૂપે કબ્જે કરી લેવામાં આવી છે.
આરોપીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો.!
મહત્વનું છે કે, મહેસાણા LCB એ કોઈ મોટી ગુનાહિત ઘટના બને તે પહેલાં હથિયારોના સોદાગરોને ઝડપી પાડ્યા છે, ત્યારે પોલીસની પૂછપરછ અને ઝડપાયેલા આરોપીની ગુનાહિત ઇતિહાસની કુંડળી તપાસતા આરોપી કિરણ ઠાકોર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હથિયાર મળી આવવાના કેસનો આરોપી હોવાનું સામે આવ્યું છે. આમ કિરણ ઠાકોર હથિયારો માટે સપ્લાયર હોવાનું જાણવા મળતા પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ કેટલાક ગુનામાં આરોપીઓની સંડોવણી છે કે કેમ તે તપાસવા માટે રિમાન્ડની માંગ કરવામાં આવશે.