- સાધુબાવાના વેશમાં લોકોને ધૂતી લેતી રાજ્ય વ્યાપી ગેંગનો પર્દાફાશ
- ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યમાં નાગાબાવાના વેશમાં ઘરેણાની ઉઠાંતરી કરનાર શખ્સો ઝડપાયા
- 37 જેટલી ઘટનાઓને અંજામ આપી ચૂકેલી ગેંગને પોલીસે ઝડપી 8.75 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
- ગુજરાતમાં 15 ગુનામાં સામેલ હોવાનો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
- પોલીસે બનાનાથ મદારી, નરસીનાથ મદારી અને સુમિત સોનીની કરી અટકાયત
- સોનાના દાગીના અને કાર સહિત રૂપિયા 8,75,835નો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
- પોલીસે આરોપીઓ પાસેથી સાધુવેશ ધારણ કરવાની સામગ્રીઓ પણ જપ્ત કરી
મહેસાણાઃ મોઢેરા, વિસનગર, હિંમતનગર તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સાધુબાવાના વેશમાં લોકો સાથે ઠગાઇ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીઓ કારમાં આવી ટ્રાફિક ન હોય તેવા રસ્તાઓ પર રાહદરીઓને એડ્રેસ પૂછતા હતા. આ ઉપરાંત નાગાબાવાના અપ્રાપ્ય દર્શનથી સુખ સમૃદ્ધિની વાતોમાં લોકોને ભ્રમિત કરી ઠગબાજી આચરતા હતા. આ રીતે લોકો પાસેથી સોના-ચાંદીના ઘરેણાં સેરવી લેનાર ઠગબાવાઓની આંતરરાજ્ય વ્યાપી ગેંગના શખ્સોએ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે બાતમી આધારે ઠગબાવાઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત 37 જેટલા ગુનાઓમાં આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના ગણેશપુરા ગામના બનાનાથ ઉર્ફે બનીયો અને નરશીનાથ ઉર્ફે અનિયો નામના બે શખ્સો ઝડપાયા છે.
આ સાથે જ પોલીસે ઘરેણાંની લેતીદેતીમાં સામેલ અમદાવાદના અસારવાના સુમિત સોનીની અટકાયત કરી ઝડપાયેલા આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, સોનાની બે વીંટી, બે ચેન અને એક બ્રેઝા કાર સહિત 8,75,835નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓના અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓ અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. જેના પગલે સ્થાનિક ગુનાની તપાસ કાર્યવાહી બાદ ટ્રાન્સફર વોરંટથી અન્ય ગુનાઓ મામલે જે-તે પોલીસ સ્ટેશનોમાં આરોપીઓને સોંપવામા આવશે.
નોંધનીય છે કે, મહેસાણા જિલ્લા પોલીસે ઠગબાવાના વેશમાં લોકોને ધૂતી લેતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો.