મહેસાણા : વિશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ ગણા ખરા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જો કે, કોરોનાથી બચવા સામાન્ય રીતે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ માસ્કના માત્ર માસ્ક રહે પરંતુ તે ખરા અર્થમાં રોગપ્રતિકારક સાબિત થાય માટે વિસનગરની એક ખાનગી સંસ્થા દ્વારા દાદીમાનું વૈદુ પદ્ધતિથી જેમ બાળકોને તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીથી રક્ષતિ કરવા ઔષધિઓ ભરેલી પોટલી ગળામાં લટકાવતી હતી. તેમ આયુર્વેદિક માસ્કનું નિર્માણ કર્યું છે.
જેમાં માસ્કની બિલકુલ મધ્યમાં એક નાનું પોકેટ બનાવી તેમાં લવિંગ, એલચી, અજમો, તજ અને કપૂર જેવી ઘરગથ્થુ ઉપચાર કરતી ઔષધીઓને શ્વાસોશ્વાસમાં તેની સુગંધ પ્રસરે તે રીતે ભરી અનોખું આયુર્વેદિક માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ સંસ્થા દ્વારા આ માસ્ક પણ બજારમાં મળતા સામાન્ય માસ્કની જેમ નજીવા ખર્ચે જ લોકોને પરવડે તે રીતે વિતરણ કરવામાં આવનાર છે.