મહેસાણા: મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 3 દિવસથી અવિરત પડી રહ્યો છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારો અને અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. નાના ગામોમાં તળાવો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
રવિવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં તાલુકા પ્રમાણે ઊંઝામાં 2.44 ઈંચ વરસાદ, કડીમાં 2.95 ઈંચ વરસાદ, ખેરાલુમાં 1.14 ઇંચ વરસાદ, જોટાણામાં 5.86 ઈંચ વરસાદ, બેચરાજીમાં 4.09 ઈંચ વરસાદ, મહેસાણામાં 4.01 ઇંચ વરસાદ, વડનગરમાં 1 ઇંચ વરસાદ, વિજાપુરમાં 2.87 ઈંચ વરસાદ, વિસનગરમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે. સતલાસણામાં વરસાદે વિરામ લીધો છે.
બીજી તરફ ધરોઈ ડેમમાં હાલમાં પાણીની આવક ઘટી છે. જેમાં હાલ 6917 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે, જ્યારે હાલમાં ડેમમાં 607 ફૂટ ઉપરાંત જળ સપાટી નોંધાઇ છે. કડી તાલુકામાં આવેલા થોળ તળાવમાં વરસાદી પાણીની આવક નોંધાઇ છે, જેથી થોળ પક્ષી અભિયારણ તળાવમાં 6.40 ફૂટ જળ સપાટી જોવા મળી છે. આમ મહેસાણા જિલ્લામાં વિલંબિત બનેલી મેઘમહેર અંતે સારી ફળી રહી છે.