મહેસાણા : વિશ્વ જયારે કોરોના વાઈરસની ઝપેટમાં છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાહતકાર્યો અને પ્રજાજનોની ચિંતા કરીને તેમની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી સરકાર દ્વારા 3જી મે 2020 સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે તે માટે પોલીસ બંદોબસ્ત જડબેસલાક કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા કોરોના મહામારીથી પોતાના શહેરને વંચિત રાખવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યાં કોરોના વાઈરસની દહેશત વચ્ચે ફરજ બજાવતી પોલીસને મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મોટી રાહત આપી છે. આ રાહતમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માટે પોતાના પસંદગીના સ્થળે બદલી કરી આપવાની સુવિધા કરાઈ છે. જેના કારણે પોતાના ઘરથી નજીક રહીને તેઓ પોતાના પરિવારની સુરક્ષા સાથે દેશ-રાજ્ય અને શહેરની સલામતીમાં પણ સહભાગી બનશે.
જે પોલીસ કર્મચારી પોતાના રહેઠાણના નજીકના પોલીસ મથકમાં નોકરી કરવા માંગતા હશે. તેઓને તે સ્થળે ફરજના ભાગરૂપે સોંપાશે. લૉકડાઉન બંદોબસ્તમાં મહેસાણા પોલીસને ઓછુ અપ-ડાઉન કરવું પડે અને નોકરી બાદ પૂરતો આરામ મળે તે માટે પ્રસાશને આ પોલીસ કર્મીઓના હિતમાં નિર્ણય લીધો છે. તેમજ પોલીસકર્મી પોતાના રહેણાંક સ્થળની નજીક નોકરી કરશે તો ઓછું અપ-ડાઉન કરવું પડશે. તથા કોરોનાના સંક્રમણથી પણ બચી શકશે. લૉકડાઉનમાં બંદોબસ્તમાં પોતાના રહેઠાણ નજીક પોલીસ મથકમાં ફરજ બજાવવા માંગતા કર્મચારીને પુરતી સુવિધા આપવાની પણ પ્રશાસને જાહેરાત કરી છે.
આમ, મહેસાણા પોલીસ પોતાના કર્મચારીઓ આવા મુશ્કેલ સમયમાં પોતાના પરીવાર સાથે રહી નોકરી કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડાનું આ આવકાર્ય પગલુ લીધું છે. તમામ કર્મીઓ આ પગલાને આવકારી પોતાની ફરજ પૂર્ણ નિષ્ઠાથી બજાવી રહ્યાં છે.