- ઉંઝાના ઐઠોરમાં પૌરાણિક ગણપતિ મંદિર 2જી તારીખે સંકટ ચોથે બંધ રહેશે
- કોરોના મહામારીને લઈ મંદિર સંસ્થાન દ્વારા લેવાયો નિર્ણય
- માત્ર પૂજારી દ્વારા ગણેશજીની આરતી અને સેવાપૂજા કરાશે
મહેસાણાઃ કોરોના મહામારીને ધ્યાને લઈ ઉંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આગામી સંકટ ચતુર્થી 2જી જાન્યુઆરીને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંસ્થાન દ્વારા લેવામાં આવ્યો છે. ચોથના દિવસે રાજ્યભરમાંથી દર્શનાર્થીઓ ગણેશજીના આશિર્વાદ લેવા આવે છે. વર્ષોથી દરેક સંકટ ચતુર્થીએ ગણપતિ દાદાના દર્શન કરવા ઉત્તર રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડતા હોય છે.
માત્ર પૂજારી દ્વારા ગણેશજીની આરતી અને સેવાપૂજા કરાશે
ત્યારે હાલમાં કોરોના મહામારીને લઈ મંદિરમાં દર્શન માટે ભીડ ન થાય તે માટે બંધ રાખવા નક્કી કરાયું છે. માગસર વદ ચોથને શનિવારે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ દિવસે મંદિરમાં માત્ર પૂજારી દ્વારા ગણેશજીની આરતી અને સેવાપૂજા કરવામાં આવશે. આ દિવસે ઘરે રહીને જ દાદાની પૂજા અર્ચના કરવા દર્શનાર્થીઓને મંદિર સંસ્થાન દ્વારા અપીલ કરવામાં આવી છે.
1200 વર્ષ જુનું છે મંદિર
ઐઠોર ગામમાં આવેલુ આ ગણપતિનું મંદિર આશરે 1200 વર્ષ જુનું છે. દર વર્ષે ચૈત્ર સુદ 3, 4 અને 5નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર 900 વર્ષ જુનું છે.