આ તપાસ દરમિયાન તંત્રની તપાસમાં 50 કિલો વાસી મીઠાઈ મળી આવી હતી. 50 કિલો જેટલી વાસી મીઠાઈનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
મહત્વનું છે કે દિવાળી એક ખુશી અને ઉત્સાહનો તહેવાર છે જેમાં સ્વાદિષ્ટ મીઠાઈ અને ફરસાણ મહેમાનોનો આગતા સાગતા માટે ઘરમાં હોવા જરૂરી છે. ત્યારે આ તકનો લાભ લેતા કેટલાક ઉત્પાદનકર્તાઓ વધુ કમાણી કરી લેવાની લ્હાયમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હલકી ગુણવત્તા વાળી ચીજ વસ્તુઓ પધરાવી દઈ જનઆરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યા છે.
આવા જ કેટલાક વેપારીઓ અને ઉત્પાદન કર્તાઓ સામે મહેસાણા ખોરાક અને ઔષધ વિભાગે લાલા આંખ કરતા કડી મહેસાણા અને વિસનગર સહિતના મોટા શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ તપાસમાં 10થી વધુ એકમો પરથી 32થી વધુ જુદી જુદી ખાદ્ય સામગ્રીના નમૂના લેવામાં આવ્યા છે. કડીમાં 9, વિસનગરમાં 1, મહેસાણામાં 10 સહિત અન્ય સ્થળોએથી સેમ્પલ લેવાયા છે. તો સાથે જ કેટલીક જગ્યા પર થી અંદાજે 50 કિલોગ્રામ જેટલો અખાદ્ય વાસી મીઠાઈનો જથ્થો મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરી ગ્રાહક રૂપી સામાન્ય નાગરિકોના પેટમાં જતા ખોરાકી જોખમને અટકાવાયુ છે.
મહેસાણા ફૂડ વિભાગે આ સાથે સ્પાઇસ સીટી કહેવાતા ઊંઝા પંથકમાં પણ મસાલા પ્રોડક્ટની તપાસ કરતા ઊંઝા અને વડનગર માંથી પણ કેટલાક શંકાસ્પદ પદાર્થોના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપી વેપારીઓ વિક્રેતાઓ અને ઉત્પાદકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ વિભાગ મહેસાણા દ્વારા કરાયેલી ઓચિંતી તપાસ કામગીરીને પગલે મહેસાણા જિલ્લામાં દિવાળી ટાણે ગ્રહોકોને છેતરવા હલકી ગુણવત્તાના ખોરાકનું ઉત્પાદન અને વેચાણ કર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે જ્યારે તંત્રએ દિવાળી સુધી પોતાની તપાસનો આ સિલસિલો યથાવત રાખ્યો છે