મહેસાણાઃ જિલ્લામાં ગામડાઓને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત કરવાની દિશામાં કરાયેલી અનોખી પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી છે. જિલ્લાના તમામ ગામોમાં કોઇપણ વ્યક્તિ પ્રવેશે તો તુરંત મુવમેન્ટ રજિસ્ટર નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ મુવમેન્ટ રજિસ્ટરની નોંધણી તલાટી કમ મંત્રી અને સરપંચની દેખરેખ હેઠળ થશે.
જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા તૈયાર કરાયેલા આ મુવેમેન્ટ રજિસ્ટરમાં 21 કોલમમાં માહિતી માંગવામાં આવી છે. જેમાં પ્રવેશ કરનારા ઇસમનું નામ, ઉંમર, જાતિ, સરનામું, મોબાઇલ નંબર, બહારથી આવેલી વિસ્તારની વિગતો, જેમાં જિલ્લાનું, રાજ્યનું અને દેશના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વિગતોમાં મુળ પ્રસ્થાન કરેલા સ્થળનું સરનામું, કયા માધ્યમ દ્વારા ગામડાઓમાં પ્રવેશ કરવા ઉપયોગમાં લેવાયેલા વાહન કે અન્ય માધ્યમ, ગામમાં પ્રવેશ કર્યાની તારીખ, ગામમાં પ્રવેશવાનું કારણ, કોરોના સંબધિત લક્ષણોની માહિતી, સંસ્થાકીય ક્વોરેટાઇન્ટ અને તેનો સમય ગાળો, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગની કરેલી જાણની માહિતી, માહિતી આપનારાનું નામ સહિત અન્ય વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના ગામડાઓ સુરક્ષિત બને તે દિશામાં કરાયેલી કામગીરી ગ્રામજનોમાં પ્રશંસાને પાત્ર બની છે. હવે મહેસાણા જિલ્લાના ગામડાઓમાં પ્રવેશતા સમયે દરેક નાગરિકે પોતાની સંપૂર્ણ માહિતી ફરજિયાત આપવી પડશે. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના આ પ્રકારના સરાહનીય પગલાંથી ગામાના નાગરિકોમાં પણ જાગૃતતા આવી રહી છે.