મહેસાણાઃ કોરોનાના કેર સામે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત સરકાર દ્વારા માર્ચના અંત સુધી શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર ન પહોંચે તે હેતુથી ગણપત યુનિવર્સિટીએ દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ માટે ઓન લાઈન લર્નિંગ સિસ્ટમ ડેવલપ કરીને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસરૂમની આધુનિક સુવિધા પૂરી પાડી છે
જેમાં ગણપત યુનિવર્સિટીની એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટ સ્ટડીઝ, કોમ્પ્યુટર એપ્લીકેશન્સ, ફાર્મસી, સોશિયલ સાયન્સ એન્ડ હયુમેનિટિઝ, સાયન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ તેમજ આર્કિટેક્ચર, ડિઝાઈન એન્ડ પ્લાનિંગ સહિતની કુલ આઠ ફેકલ્ટીનાં ચૂનંદા પ્રોફેસર્સને ખાસ તાલિમ આપીને વિદ્યાર્થીઓને ઓન-લાઈન લેકચર આપવા તેમજ ઇન્ટરએક્ટિવ સંવાદ માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓને મેઈલ અને મોબાઈલ મેસેજ દ્વારા તેમના લેક્ચર્સનું ટાઇમ ટેબલ આગોતરું મોકલી દેવામાં આવ્યુ છે તે મુજબ ફેકલ્ટી તેમજ વિદ્યાર્થીઓ લોગ-ઓન થઈ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હાજર થઈ જાય છે. વિદ્યાર્થી જયારે ઘેર બેઠાં એના મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ઉપરથી વર્ચ્યુઅલ લર્નિંગ સિસ્ટમ સાથે જોડાય ત્યારે તેના પ્રોફેસર બોલે તે તો એ સાંભળી જ શકે છે પરંતુ સાથે સાથે એમના શબ્દો સ્ક્રીન ઉપર નીચે સ્ક્રોલ સ્વરૂપે લખાતા પણ જાય છે, જેથી વિદ્યાર્થીને સાંભળવામાં કઈ ચૂક થાય તો વાંચીને પણ લેકચરને સમજી શકે છે. લેકચરના અંતે છેલ્લી દસ મીનિટ ચેટિંગ દ્વારા વિદ્યાર્થી પ્રશ્નોતરી પણ કરી શકે છે. વળી, આખું લેકચર રેકોર્ડ કરવાની પણ સિસ્ટેમમાં વ્યવસ્થા હોવાથી તેની લિંક વિદ્યાર્થીને મોકલીને લેકચરનો ઓડિયો પણ સુલભ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થી તેના અનુકૂળ સમયે રીવિઝન પણ કરી શકે છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમની આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને સુલભ કરાવવા માટે ગૂગલના “હેંગઆઉટ ટૂલ”નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હાલમાં સ્કૂલ - કોલેજ બે અઠવાડિયા બંધ રાખવાના સરકારના આદેશને અનુસરીને ૨૯મી માર્ચ સુધીનું વિશેષ ટાઈમ ટેબલ તૈયાર કરી વિદ્યાર્થીઓ માટે ઘેર બેઠાં ઓનલાઈન લર્નિંગની વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ જો સમય-અવધિ લંબાવવામાં આવશે તો આ વ્યવસ્થા પણ વધુ સમય માટે વિદ્યાર્થીઓ માટે સુલભ કરાવવામાં આવશે.