નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી નીતિન પટેલના જિલ્લામાં જિલ્લાના મુખ્ય મથક પર આવેલ સરકારી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં છતના પોપડા નીચે પડ્યા હતા. જો કે સદનસીબે ત્યાં કોઈ દર્દી સારવાર હેઠળ ન હોઈ જેથી જાનહાની ટળી હતી, ત્યાં જ આરોગ્ય તંત્રની કથળેલી સ્થિતિની પોલ ખોલતો વધુ એક બનાવ ખેરાલુ સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જેમાં છેલ્લા ઘણા સમયથી આવતા દર્દીઓ માટે જર્જરિત હોસ્પિટલને પગલે જીવનું જોખ ટોળાતું હતું અને એક આકસ્મિક રીતે હોસ્પિટલની છત પરથી પોપડા નીચે પડતા અકસ્માત સર્જાયો છે. જોકે આ ઘટનામાં કોઈ દર્દી કે અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચી છે કે કેમ તેની ચોક્કસ જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી સામે આવી નથી.
બીજી તરફ ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં પોપડા પડવાની ઘટના બાદ હરકતમાં આવેલા જિલ્લા આરોગ્ય વિભાગે સ્થાનિક સિવિલ હોસ્પિટલને બંધ કરી દેવા આદેશ કર્યો છે. જેને પગલે વિસ્તારના હજ્જારો લોકો સરકારી સિવિલ હોસ્પિટલની આરોગ્ય લક્ષી સેવાથી વંચીત રહેતા લાચારી અને મજબૂરીવશ થઈ ખાનગી અને દૂરના શહેરોની હોસ્પિટલમાં સારવાર લેવા પરેશાની ઉઠાવવી પડી રહી છે, ત્યારે ખેરાલુ સિવિલ હોસ્પિટલ પુનઃ ક્યારે શરૂ થાય છે અને જિલ્લા આરોગ્ય વિભાગની કથળેલી સ્થિતિમાં કાર્યવાહી સ્વરૂપ કોઈ ટોનિક આપી સુધારો કરાય છે કે કેમ તે તો સમય જ બતાવશે.