- મહેસાણામાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ રસી લેનારા તબીબોએ પોતાનું અનુભવ વ્યક્ત કર્યો
- આજે 5 સ્થળોએ વેક્સિનેશનનો પ્રારંભ
- 500 ડોઝ રસીના એક જ દિવસમાં અપાશે
મહેસાણાઃ કોરોના મહામારી સમયે દવા ન હતી માત્ર દુઆ પર આધાર હતો, ત્યારે આજે દુઆ બાદ દવા એટલે કે રસી સામે આવી છે, ત્યારે દેશમાં વડાપ્રધાને શરૂ કારાવેલ રસીકરણને પગલે મહેસાણા જિલ્લામાં પણ 5 જગ્યાએ રસીકરણની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને રસી માટે રજીસ્ટ્રેશન થકી બોલાવી રસી આપવામાં આવી છે. તો વડનગર મેડિકલ કોલેજના ડીન સુનિલભાઈ ઓઝા અને RMO સુરેશભાઈ પટેલે સર્વ પ્રથમ રસીનો ડોઝ લઈ જાતે જ અનુભવ કર્યા બાદ આ રસી જોખમી ન હોવાની વાત રજૂ કરી હતી. લોકોને રસી લેવા માટે પ્રેરણા પુરી પાડી છે.
PM મોદીના વતન વડનગરમાં રસીકરણની પ્રક્રિયા
આજે જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિન મળતા રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે PM મોદીના વતન વડનગરમાં રસીકરણનો ચિતાર મેળવતા અહીં રજીસ્ટ્રેશન દ્વારા મેડિકલ સ્ટાફને બોલાવી તેમના પ્રાથમિક આરોગ્યની ચકાસણી કર્યા બાદ રસી આપી અને તેમની નિરીક્ષણ કક્ષમાં બેસાડી 30 મિનિટ બાદ રજા આપવામાં આવી છે, ત્યારે આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા રસી આપનારા અને રસી લેનારા આરોગ્ય સ્ટાફ દ્વારા પોતાનો અનુભવ ઈટીવી ભારત સાથે રજૂ કરવામાં આવ્યો હતો.