ખેરાલુ પેટાચૂંટણીના પ્રચાર અર્થે CM વિજય રૂપાણી ખેરાલુ પહોંચ્યા હતા. જ્યા ભાજપના ખેરાલુ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અજમલજી ઠાકોરને જીતાડવા CMએ હાંકલ કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સભામાં નિવેદન કર્યું હતું કે, ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઇ રહ્યું છે. કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. રાહુલ બાબાએ ખૂબ ઠેકડા માર્યા પણ હિંમત હારીને બેઠા છે. તો રામ મંદિર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અયોધ્યાની સુનવણી પૂર્ણ થવા આવી છે. એ સપનું પૂર્ણ થશે તેમ લાગે છે.
કોંગ્રેસના વકીલોએ એમાં રોડા નાખ્યા હતા. કાશ્મીરની જેમ સમસ્યાઓ સળગતી રહે આ જ ધંધો કર્યો છે કોંગ્રેસે. તો ગુજરાતમાં ઘણા કાયદાઓમાં સરકાર ફેરફાર લાવી છે અને દારૂબંધીને કડક બનાવી વ્યાપક પ્રમાણમાં દારૂ પકડીને નાશ કરી રહયા છે. ખેડૂતોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે પણ ટેકાના ભાવે ખરીદી કરવાના છીએ.
સમગ્ર કાર્યક્રમમાં દર વખતની જેમ ઉમેદવાર અજમલજીએ પોતાની સ્પીચ આપતા રમૂજ સર્જાઈ હતી. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા, જે ઘટના જોતા ભાજપે પસંદ કરેલા ઉમેદવાર ભલે સામાન્ય વ્યક્તિ હોય પરંતુ સભામાં કે જાહેરમાં ઉદ્ધબોધન કરવામાં હાલ તો અસમર્થ જણાઈ આવ્યા છે.
ભાજપના જીતના દાવા વચ્ચે જીતુ વાઘાણીની સતલાસણા સભા બાદ આજે ફરી એકવાર મુખ્યમંત્રીની સભામાં પણ ખુરશીઓ ખાલી જોવા મળી હતી જે દ્રશ્ય જોતા કહી શકાય કે જે ખેરાલુ બેઠક ભરતસિંહ ડાભી સમયે ભાજપનો ગઢ સાબિત થતી અને સભાઓ પ્રચારમાં હજ્જારો લોકો જોડાતા, ત્યાં આજે તે જ ભાજપની સભાઓમાં ખાલી ખુરશીઓ ભરતસિંહ ડાભીની નારાજગી કે સ્થાનિક સંઘઠનની નિષ્ક્રિયતા દર્શાવી રહ્યું છે