મહેસાણામાં ઊંઝાના બ્રાહ્મણવાડા ગામે પરંપરા ગત રીતે પ્રાચીનકાળથી ગામના દરેક સમાજના લોકો ભેગા મળી ગામના હવાડામાંથી ગામની મહિલાઓ અને કુવાસીઓ પાણી ભરી માથે ગાંગર એટલે કે પાણી ભરેલા માટીના બેડા મૂકી ગામના પીપળે ગામના હરિયા એટલે કે પુરૂષો પણ પાણી રેડે છે અને એ પાણીની દિશા અને વહેણ પરથી આગામી ચોમાસુ કેવું રહેશે તે નક્કી કરાય છે. તો બીજી તરફ એક પૌરાણિક માન્યતા પ્રમાણે ગામના ગામી અને બોગા સમાજના બે યુવાનો પૈકી એક સ્ત્રી અને એક ખેડૂત પુરુષનો વેશ ધારણ કરે છે. જેમાં સ્ત્રીને ખેડૂત પત્ની તરીકે ભથવારી બનાવી તેના માથે ભાથું મુકવામાં આવે છે.
જ્યારે અન્ય યુવાનના માથે બે પાણીની ગાંગર મુકવામાં આવે છે, જેમને ગામમાં વર્ષે એક જ વાર ખુલતા ભથવારી માર્ગ પર લઈ જઈ ગામ પ્રદક્ષિણા કરાવાય છે. અને ભથવારી શુકન પીપળે પહોંચે તે પહેલાં લોકગાથા પ્રમાણે તેને લૂંટી લેવાની વિધિ થાય છે. બાદમાં શુકન પિપળે માળી દ્વારા ફૂલોનો દડો ઉછાડવામાં આવે છે. જેને ગામના પુરુષો માથે ખોબો ધરી ઝીલી લે છે, અને ઘરે જઈ જોવે છે, ત્યારે ફુલના દડા માંથી ચમ્પાનું ફૂલ નીકળે તો બાજરી સારી અને સફેદ કોઈ ફૂલ નીકળે તો જુવાર સારી પાકે તેવું અનુમાન લગાવવામાં આવે છે. આમ ઊંઝાના બ્રાહ્મણવાડા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ ગામમાં પાણીની ગાંગર અને ફૂલોના દડાથી શુકન જોઈ વરસાદ અને ખેતપાકનો વરતારો જોવામાં આવે છે.