- મહેસાણાની મેસર્સ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિ.નો કૌભાંડ મામલો
- 678 કરોડ રૂપિયાના લોન કૌભાંડ મામલે 4 ડિરેક્ટરો સામે CBIની ફરિયાદ
- વિવિધ બેન્કોમાંથી 810 કરોડ રૂપિયાની લોન લઈ હેતુ ફેર નાણાં વાપરવામાં આવ્યા
- ઓઈલ કંપનીના સાથે ન જોડાયેલા માધ્યમો પાછળ રૂપિયા ખર્ચાતા કૌભાંડ સામે આવ્યું
મહેસાણાઃ જિલ્લાની વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિમિટેડે વિવિધ અગ્રણી બેન્કો પાસેથી લોન લઈ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. આ અંગે સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી. સીબીઆઈએ વિમલ ઓઈલના 4 ડિરેક્ટર્સ અને અજાણ્યા કર્મચારીઓ, અધિકારીઓ સામે ફરિયાદ નોંધી હતી. CBIની તપાસમાં મહેસાણા વિમલ ઓઈલ એન્ડ ફૂડમાં 678 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ સામે આવ્યું છે.
આ પણ વાંચો- વડોદરા મહાનગરપાલિકાના વિવાદિત પતરાકાંડના કોન્ટ્રાક્ટરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું
કંપનીએ બેન્કો પાસેથી લોન તો લીધી પણ પૈસા અન્ય જગ્યાએ વાપર્યા
મહેસાણામાં આવેલી મેસર્સ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિમિટેડ નામની ઓઈલ ઉત્પાદન અને વેચાણ કરતી કંપની દ્વારા વિવિધ 9 જેટલી અગ્રણી બેન્કોમાંથી વર્ષ 2014થી 2017ના સમયગાળા દરમિયાન કંપનીના કામના હેતુથી 810 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. જોકે, આ લોનની માતબર રકમમાંથી કંપનીના ડિરેક્ટર્સ સહિતના લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી કંપની સાથે કોઈ જ સંલગ્ન ન હોય તેવી પેઢીમાં આર્થિક વ્યવહારો કરી 678.93 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી લોન કૌભાંડ આચર્યું હોવા ઘટસ્ફોટ CBIની તપાસમાં થયો છે.
આ પણ વાંચો- ખેરાલુની ચોટીયા દૂધ મંડળીના મંત્રીની 19.51 લાખની ઉંચાપત આવી સામે
4 ડિરેક્ટર અને અજાણ્યા સરકારી બાબુઓ સામે CBIએ નોંધાવી ફરિયાદ
સીબીઆઈ (સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો)ને મળેલી માહિતી મુજબ, મેસર્સ વિમલ ઓઈલ અનેડ ફૂડ લિમિટેડના વ્યવસાયિક અને નાણાંકીય વ્યવહારો પર સતત વોચ રાખી લાંબા સમયથી તપાસ કરવાના અંતે CBIને આ કંપનીમાં લોન કૌભાંડ થયું હોવાના પૂરાવા હાથ લાગ્યા છે, જેના દ્વારા CBIની ટીમે અમદાવાદ, મહેસાણા સ્થિત ફેક્ટરીમાં અને આરોપીઓના રહેઠાણ સ્થળ સહિતની શંકાસ્પદ જગ્યાએ તપાસ કરી જરૂરી નિવેદનો લઈ વિમલ ઓઈલમાં અગ્રણી બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લઈ ગોટાળા કરાયા હોવાનું માલુમ પડતા CBI દ્વારા વિમલ ઓઈલના 4 ડિરેક્ટર જયેશ ચંદુભાઈ પટેલ, મુકેશ નારણભાઈ પટેલ, દિતીન નારણભાઈ પટેલ અને મોના જિગ્નેશ આચાર્ય સહિત અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અધિકારી સહિતના કૌભાંડમાં સામેલ આરોપીઓ સામે કૌભાંડ અચરવા અને મદદગારી કરવા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.