મહેસાણાઃ જિલ્લામાં વડનગર સરકારી મેડિકલ હોસ્પિટલ અને મહેસાણા શહેરમાં તૈયાર કરેલી કોવિડ19 હોસ્પિટલમાં લક્ષણ રહિત કોરોના પોઝિટિવ દર્દીઓને જિલ્લા આયુર્વેદ વિભાગની ટિમ દ્વારા આયુર્વેદિક પદ્ધતિ થી સારવાર શરૂ કરાઈ છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા આયુર્વેદિક પદ્ધતિ ખુબ કારગત સાબિત થઈ રહી છે. ત્યારે કોરોના લક્ષણ રહિત દર્દીઓ માટે રાજયના આયુષ વિભાગ દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી સારવાર શરૂ કરાઇ હતી, જેમાં અમદાવાદના 203 દર્દીઓ રિકવર થતા હવે મહેસાણામાં તેમજ જિલ્લાના વડનગરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના વાઇરસના લક્ષણ રહિત દર્દીઓને પૂર્વ સંમતિ મેળવી સવાર-સાંજ આયુર્વેદિક ટેબ્લેટ અને ફ્રેશ ઉકાળાનું વિતરણ વડનગર આયુર્વેદિક સારવાર કેન્દ્ર પર થી કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે કોરોના સામેની જંગ જીતવા રોગપ્રતિકારક શક્તિ વધારવી એજ મહત્વનો ઉપચાર માનવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રાચીન કાળથી ઋષિમુનિઓએ શરૂ કરેલી આયુર્વેદિક ઉપચારની રીત ભાત આજે કોરોના સામેની લડતમાં કારગત સાબીત થઇ રહી છે. ત્યારે સામાન્ય નાગરિકોએ પણ ઘરગથ્થુ ઉપચાર માટે કોરોના સામે સલામત રહેવા આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવું ઘણું લાભદાયી બની શકે છે.