- 10 વર્ષ પહેલાં થયેલ હત્યા મામલે 15 પરિવારોએ કરી હતી હિજરત
- કોર્ટે પોલીસ સાથે રાખી ગામમાં જવા હુકમ કરવા છતાં હુમલો કરાયો
- પોલીસની હાજરીમાં હુમલો થતા 9 લોકો ઇજાગ્રસ્ત થયા
મહેસાણા: જોટાણા તાલુકાના કટોસણ(ધનપુરા) ગામે 10 વર્ષ અગાઉ થયેલી એક હત્યાના કેસમાં સામે આક્ષેપિત પક્ષના 15 જેટલા પરિવારો સંજોગો અવસાત ગામ છોડી જતા રહેતા હિજરત કરી હતી. જો કે હિજરત બાદ આ પરિવારોએ કોર્ટના શરણે જઈ ગામમાં પુનર્વસન માટે મંજૂરી માંગતા કોર્ટે સ્થિતિ જોતા પોલીસ બંદોબસ્ત સાથે હિજરતી પરિવારોને પુનર્વસન માટે મંજૂરી આપી હતી. જે બાદ સાંથલ પોલીસે પ્રોટેક્શન સાથે આ હિજરતી પરિવારોના સભ્યોને લઈ ગામમાં જતા ત્યાં 25 લોકોના ટોળાએ પોલીસની હાજરીમાં પુનર્વસન માટે આવેલા પરિવારો પર ધારીયા, તલવારો જેવા ઘાતકી હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં 4 મહિલા અને 5 પુરુષને ઇજાઓ પહોંચી છે, ત્યારે હુમલાની ઘટના બાદ પોલીસે ટોળાને રોકવા પ્રયાસ કરી તમામ 9 ઇજગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડયા હતા.
આ પણ વાંચો: જામનગરના ખોજા બેરાજા ગામમાં પરિવાર પર હુમલો કરી રૂપિયા 8 લાખથી વધુની લૂંટ
હુમલાખોરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી
કટોસણ ગામે પુનર્વસન માટે આવેલા પરિવારો પર પોલીસની હાજરીમાં હુમલો થતા શરમજનક બાબત કહી શકાય તેવા સંજોગ જોવા મળ્યા છે. જો કે, હાલમાં પોલીસે ભોગ બનનાર પરિવારના ઇજગ્રસ્તોને સારવાર અપાવી હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની તજવીજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.