- મહેસાણામાં આશાવર્કરો અને ફેસેલિટરોએ પડતર માંગણીઓને લઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
- પગાર વધારાની માંગ અને મેટરનીટી લિવ સહિતનાં મુદ્દે આશાવર્કરો નારાજ
- ફિક્સ પગારની માંગ સાથે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આશાવર્કર અને ફેસિલિટેટરો દ્વારા કલેકટર કચેરીએ હલ્લાબોલ
- કલેકટરને આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત
મહેસાણાઃ આશાવર્કરો અને ફેસિલિટરની પડતર માંગણીઓને લઈને મહેસાણા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે દરમિયાન મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આશાવર્કરો અને ફેસિલિટેટર બહેનો ઉમટી પડી બિલાડી બાગથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.
માંગણી પુરી નહી થાય તો આંદોલનની ચિમકી
ગુજરાત જનતા જાગૃતિ મંચના મુખ્ય મહિલા કન્વીનરના જણાવ્યા અનુસાર સરકાર એક બાજુ એમ કહી રહી છે કે આશાવર્કર સ્વૈચ્છિક કાર્યકર છે અને અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ પોતાની મરજી મુજબ રોજ બે કલાક આરોગ્યને લગતી પ્રવૃતિ કરે છે અને એના બદલામાં એમને ઇન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. બીજી બાજુ કોરોના એ જીવલેણ બિમારી છે અને કોરોનાથી સંક્રમિત થવાના ભય વચ્ચે આશાવર્કરો અને ફેસિલિટરને અઠવાડિયાના સાતે દિવસ પુરા સમય માટે કોરોનાને લગતી કામગીરી કરાવવામાં આવે છે. આ જોખમી કામગીરીના બદલામાં આશાવર્કરોને રોજના માત્ર ૩૩=૩૩ રૂપિયા જ્યારે ફેસિલિટેટરને માત્ર ૧૭=૦૦ રૂપિયા જેટલું વળતર ચુકવી અન્યાય કરવામાં આવી રહ્યો છે.
આ મહિલાઓને દર મહિને કોઇ ફિક્સ વેતન મળતુ ન હોવાથી બિમારીના તેમજ માતૃત્વ ધારણ કરવાના પ્રસંગોમાં એમની આવક બંધ થઇ જતી હોઇ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. જો સરકાર આશાવર્કરો અને ફેસિલિટેટરની માંગણીઓને ગંભીરતાથી નહી લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ચંદ્રિકાબેન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
કોરોના વોરિયર્સનું બિરુદ પરત કરશે..!
અત્યારે પંચાયત વિભાગના કર્મચારીઓ પોતાની ગ્રેડ પે ની માંગને લઈને હડતાળ ઉપર છે. ત્યારે સરકાર દ્વારા એમની ઉપર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 કાર્યવાહી કરવા આદેશ કરી પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે એ પરત ખેંચવા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્રારા સરકારને 26 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. જો કેસ પાછા નહી ખેચવામા આવે તો 27 મી એ રાજ્યની તમામ આશાવર્કરો ફેસિલિટેટર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ કોરોના વોરિયર્સનુ બિરૂદ પરત કરશે.