રાજ્યમાં ઊંઝા APMCએ ગુજરાતને ગૌરવ અપાવે છે. તેવી જ રીતે ઊંઝા નજીક આવેલા મહેસાણા જિલ્લામાં ઉનાવાનું માર્કેટયાર્ડ પણ તમાકુ બજાર માટે જિલ્લાને ગૌરવ અપાવે છે. અહીં રાજસ્થાન, સૌરાષ્ટ્ર સહિત સ્થાનિક વિસ્તારના ખેડૂતો તમાકુના વેપાર માટે આવે છે. ટોબેકો હબ તરીકે જાણીતા ઉનાવા માર્કેટયાર્ડમાં ચેરમેન પદે રહેલા સુરેશભાઈ પટેલે ચાલુ ટર્મમાં જ રાજીનામુ આપતા ટર્મની બીજી મુદત માટે ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી.
જેમાં માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના 8 સભ્યો, વેપારી વિભાગના 4 સભ્યો, ખરીદ વેચાણ સંઘના 1 સભ્ય અને 2 સરકારી પ્રતિનીતિના મતો મળી કુલ 15 મતો થકી ચૂંટણીનું આયોજન કરાયું હતું.
જો કે ચેરમેન પદે ભીખાભાઈ પટેલની ઉમેદવારી સામે અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તેમને ચૂંટણી અધિકારી પ્રતિકભાઈ ઉપાધ્યાય દ્વારા બિનહરીફ ચેરમેન પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો ચૂંટણી બાદ ઉનાવા ટોબેકો હબના સંચાલનની જવાબદારી ભીખાભાઈ પટેલને સોંપવામાં આવી છે.