વડનગરઃ વડનગર 2500 વર્ષ જૂની નગરી છે જેની જમીન આજે પણ પોતાનો ઇતિહાસ જીવંત દર્શાવી રહી છે. વડનગર એ વડાપ્રધાન મોદીના વતનની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વવિખ્યાત નગરી છે ત્યારે 2500 વર્ષ જૂની આ નગરીમાં બૌદ્ધ સમયના કેટલાક અવશેષો પુરાતન વિભાગને આજે પણ ભૂસ્તરમાંથી મળી રહ્યાં છે. ત્યાં એક ચીની મુસાફર હ્નુએન ત્સાંગની ભારત મુલાકાતના ઇતિહાસ સાથે વડનગર બૌદ્ધ ધર્મનો મોટું સાક્ષી રહ્યું હોય તેવો વાત સાર્થક થઈ છે .
આ સ્તૂપ 2x2 મીટરના વિસ્તારમાં પ્લેટફોર્મ પર છે જેની વચ્ચે એક નાની કુંડી છે. એક અનુમાન પ્રમાણે વડનગરમાં બૌદ્ધ ધર્મ હોવાથી અહીં કોઈ બૌદ્ધ ધર્મના વિશિષ્ટ વ્યક્તિના અસ્થિ આ નાની કુંડીમાં હોવા જોઈએ અને જેના પર બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો પોતાની પ્રાર્થના સાધના કરતાં હોઈ શકે છે. પરંતુ હાલમાં આ સ્ટ્રક્ચરમાંથી કોઈ અસ્થિ મળેલ નથી. કદાચ આ સ્તૂપ નષ્ટ થતાં દૂર કરાયાં હોઈ શકે છે તો સ્તૂપના આજુબાજુમાં એક પ્રદક્ષિણા પથ પણ છે જે ધાર્મિક પરંપરા મુજબ ભક્તોની પ્રદક્ષિણા માટે નિર્મિત હોઈ શકે છે. સ્તૂપની બાજુના કક્ષમાં એક સમાધિ અવસ્થામાં કંકાલ મળી આવ્યું છે જે અંગે પુરાતન વિભાગે વધુ શોધખોળ આરંભી છે. પુરાતન વિભાગની ચોક્કસ તપાસ બાદ આખરે કંકાલ કેટલા સમય જૂનું છે અને શા માટે તે આ પ્રકારે સમાધિ આવસ્થામાં છે તેવા અનેક સવાલોની સ્પષ્ટતા થઈ શકે છે.
વડનગર પ્રાચીનકાળમાં એક ઐતિહાસિક નગરી અને બૌદ્ધિસ્ટ વિહાર હોવાના અનેક પુરાવા જમીનના પેટાળમાં ચાલી રહેલી પુરાતન વિભાગની કામગીરી દર્શાવી ચૂક્યું છે. જોકે પુરાતન વિભાગનું સંશોધન હાલમાં પણ આગળ વધી રહ્યું છે ત્યારે આગળ જતાં સંશોધનમાં વધુ કેટલાક રહસ્યો ઉજાગર થઈ શકે છે.