- મહેસાણા-પાલનપુર હાઇવે પર મક્તુપુર પાટિયા નજીક અકસ્માત
- બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત, એક ઘાયલ
- મૃતકો ઊંઝામાં મજૂરી કામ કરતા હતા
મહેસાણા: ઊંઝા નજીક આવેલા મક્તુપુર ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર સતત ટ્રાફિક રહેતો હોય છે જેને પગલે અહીં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શુક્રવારે સવારે વધુ એક અકસ્માતની ઘટના બાઇક અને ટ્રેલર વચ્ચે સર્જાઇ છે જેમાં બાઇક ટ્રેલર નીચે ઘૂસી જતા બાઇક પર સવાર 3 લોકો પૈકી 2ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એકને ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
સ્થાનિકોએ હાઇવે પર ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો
આ જગ્યા પર અનેકવાર બનતી ગંભીર અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા અને હાઇવે પર ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો. લાંબા સમય સુધી હાઇવે બંધ કરી દેવાતા વાહનીની લાંબી કતારો લાગી હતી. બાદમાં ઊંઝા પોલીસે ઘટના સ્થળે દોડી આવી સમજાવટ કરતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ અહીં બનતા અકસ્માત અટકાવવા મામલે સ્થાનિકો બ્રીજ બનાવવાની માગ પોકારી રહ્યા છે જેથી સ્થાનિકો અને હાઈવેનો ટ્રાફિક અલગ અલગ પરિવહન કરી શકે.
ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકો પરપ્રાંતીયો હતા જેમનું PM કરવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.