મહેસાણા: જિલ્લામાં લોકડાઉનનું પાલન કરાવવા વહીવટી તંત્રના આદેશથી જિલ્લા પોલીસ સતત 24 કલાક ખડે પગે રહી ફરજ બજાવી રહી છે. જો કે તાજેતરમાં વિજાપુર મામલતદાર કચેરીમાં લોકડાઉનના પાસ રિન્યુઅલ મામલે બે અસામાજિક તત્વોએ તકરાર કરી નાયબ મામલતદાર અને મામલતદાર સાથે મારામારી કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા વિજાપુર પોલીસે હુમલો કરતા બે સખ્શો સાથે ઉપરાણું લઈ આવનાર 3 આરોપીઓની અટકાયત કરી હતી.
આ અંગે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા આજે કોર્ટે બંને આરોપી સૈયદ મહમદ તબરેજ અને સૈયદ મહમદ તાબિસને પાસા અટકાયત વોરંટ હેઠળ અટકાયત કરી વિજાપુર અને મહેસાણા LCB પોલીસ દ્વારા રાજકોટ અને સુરતની મધ્યસ્થ જેલમાં ધકેલી મુક્યા છે.
આમ જિલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં જાહેરનામાનો ભંગ કરતા અને અસામાજિક પ્રવૃતિઓ કરતા બન્ને આરોપીઓને પાસા હેઠળ જિલ્લા બહાર મોકલી આપી પોલીસે જિલ્લામાં શાંતિ સ્થપાયેલી રહે તે માટે ઉત્તમ કામગીરી કરી બતાવી છે.