મહેસાણા: સતલાસણા તાલુકામાં સાંજથી શરૂ થયેલા વરસાદે રાત્રીના સમયે રૌદ્ર સ્વરૂપ લેતા ગણતરીના કલાકોમાં 2.32 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે તાલુકાના ગામડાઓ પૈકી ખોડામલી ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા આખુ ખોડામલી ગામ પાણીમાં તરબોળ બન્યું હતું.
કોઇ વ્યક્તિ દ્વારા ગામમાં વર્ષોથી પાણી જવાના માર્ગે પાળો બનાવી દેવામાં આવ્યો છે. જેથી ગામમાં વરસાદી પાણીનો નિકાલ અટકી પડ્યો છે. શાળાના મકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા શાળામાં પડેલી સામગ્રીઓને નુકસાન પહોંચ્યું છે. જેથી પાણીના નિકાલ માટે શાળાના શિક્ષકો અને ગ્રામજનો મુંઝવણમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, તાલુકાનું ખોડામલી ગામ નીચાણવાળા વિસ્તારમાં સાબરમતી નદીના તટે વસેલું ગામ છે, ત્યારે જો વહેલી તકે ગામમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ચોમાસાના આગામી દિવસોમાં ભારે વરસાદ કે ધરોઈ ડેમ આઉટફ્લો થવા જેવી પરિસ્થિતિ સર્જાશે. તેમજ ગામ લોકોના જીવ પણ જોખમાય તેવી શક્યતાઓ છે.