મહેસાણા : ધરમપુરના રાજપુરી જંગલ ગામે ગોમટીપાડા ફળિયા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. અહીં એક છકડો રિક્ષાને બ્રેક નહીં લાગતા 11 મજૂરો સાથે રીક્ષા 10 ફૂટ નીચે ઘાટમાં બે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી સારવાર દરમિયાન 2 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકોને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે અને 8 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
12 મુસાફર ભરેલી રિક્ષા પલટી : પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજપુરી જંગલના રહેવાસી ધનેશભાઈ રમેશભાઈ ધનગરિયા પોતાની છકડો રિક્ષામાં 12 મુસાફરોને સાથે ધરમપુરના ખારવેલ નજીક મજૂરી કામ માટે નીકળ્યા હતા. તેઓ ગોમતી પાડા નજીક ઢાળ ઉતરતી વખતે રિક્ષાને બ્રેક ન લાગતા અને વળાંક ન કપાતા રિક્ષા મુખ્ય માર્ગથી 10 થી 12 ફૂટ નીચે ફંગોળાઈ હતી. રિક્ષા બે પલટી મારી જતા તેમાં સવાર કુલ 12 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
2 લોકોના કરૂણ મોત : આ અકસ્માતમાં હટવાડા ફળીયાના અમિતભાઈ કુલકર્ણી અને આવધા કુંવરપાડા સોમલુભાઈ કુંવરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઈ કુલકર્ણીનું મોત નીપજ્યું હતું. જ્યારે સોમલુભાઈને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સોમલુભાઈએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
તો અમિત બચી ગયો હોત ! રાજપુરી જંગલ ગોમતી પાડા ખાતે મજૂરી કામ માટે ઇકો ગાડી લઈ મજૂરો લેવા જતો હટવાળા ફળીયાનો યુવક અમિત કુલકર્ણી ઈકો ગાડી મૂકી પરત ઘરે આવવા માટે ગોમતી પાડાથી છકડો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસ્યો હતો. પરંતુ એને ક્યાં ખબર હતી કે તેને સામે જ યમરાજ મળશે. રીક્ષા પલટી જતા તેને માથાના અને છાતીના ભાગે ઇજા થતા સારવાર માટે સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં યુવાને દમ તોડ્યો હતો.
10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત : અગાઉ પણ આ સ્થળે અનેક અકસ્માત સર્જાયા છે અને અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગોમતી પાડા ઘાટ નજીક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે, જેથી અકસ્માત રોકી શકાય. આ બનાવમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 8 લોકોને રજા આપવામાં આવી છે. ઘટના અંગે સગુનભાઈ વડવીએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે છકડો રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
2 લોકો સારવાર હેઠળ : બંને નજીકના ગામમાં અકસ્માત સર્જાયાની વાત વાયુવેગે વાત પ્રસરી જતા ઘટનાસ્થળે લોકો ટોળે વળ્યા હતા. ઉપરાંત બે વ્યક્તિના મોતની ખબર આવતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. હાલ તો મૃતદેહના પોસ્ટમોર્ટમ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ તપાસ : આ અંગે ધરમપુર PSI આર.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છકડો રિક્ષાની બ્રેક ન લાગતા ગોમતી પાડાથી ઘાટ ઉતરતી રીક્ષા વળાંક ન કપાતા રિક્ષાચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. રિક્ષા મુખ્ય માર્ગથી નીચે 12 ફૂટની ખાઈમાં ખાબકી હતી. રિક્ષામાં સવાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં એકનું ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ્યારે અન્ય એકનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.