- પ્રાકૃતિક ખેતીથી તૈયાર ચીકાશ રહિત લાલ ભીંડા લોકોમાં આકર્ષણરૂપ
- એકાંતરે 40 થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો
- પાકમાં ચુસીયા, જીવાત અને ઇયળનો ઉપદ્રવ ઓછો થતાં જંતુનાશક દવાનો ખર્ચ ઓછો
મહીસાગર: વિરપુર ખાતે ગવાર, ચોળી રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનઉ સ્થિત તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘા જેટલી જમીનમાં ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે.
એકાંતરે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે
હાલ ભીંડા વીણવાની શરુઆત થઈ ગઈ છે. એકાંતરે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે. ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રુવાટી ન હોવાથી તોડીને વીણવામાં પણ સરળતા રહે છે. કપાસની જેમ ઝડપી ફૂટ અને ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે જેથી ઉત્પાદન સારું મળી રહે છે. આ ઉપરાંત આ પાકમાં ચુસીયા, જીવાત અને ઇયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી છોડીને બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે.

આ પણ વાંચો: પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક
વિસ્તરણ અધિકારી અને બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન
જગદીશભાઈ વિરપુર તાલુકાના વિસ્તરણ અધિકારી અને બાગાયત વિભાગ દ્વારા અવારનવાર માર્ગદર્શન મેળવે છે. વર્તમાન સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડી ખેતી કરવામાં આવે તો નફાનું ધોરણ વધુ રહે છે. ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિની સાથે રહી જીવન જીવવામાં આવે તો જ આવનારી પેઢી તંદુરસ્ત જીવન જીવી શકશે.
આ પણ વાંચો: રાજકોટના તબીબે પ્રાકૃતિક ખેતી કરવા પ્રેક્ટિસ છોડી, 10 વીઘા જમીનમાં 14 હજાર કિલો ખારેકનું ઉત્પાદન કર્યું
શાકભાજીમાં પ્રતિ કિલો 20 રૂપિયાથી વધુની રકમ મળે છે
પ્રાકૃતિક ખેતીના સંદેશ સાથે જગદીશભાઈ જણાવે છે કે, તેઓ તમામ શાકભાજી તથા મગની ખેતી દેશી ગાયના ગૌ-મુત્ર અને છાણિયા ખાતરના ઉપયોગથી કરે છે. તેથી બજાર કરતા તેમના શાકભાજીમાં પ્રતિ કિલો 20 રૂપિયાથી વધુની રકમ મળે છે અને પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય અને શાકભાજી ઉપયોગમાં લેતા જાગૃત લોકો ઘેર બેઠા તેમના શાકભાજી લઈ જાય છે. તેથી બહાર વેચવા જવાની જરૂર પડતી નથી. શાકભાજીની આ સફળ ખેતી કરીને તેઓ રોજનો સારો નફો મેળવી રહ્યા છે. આમ જિલ્લાનો આ યુવા ખેડૂત લાલ ભીંડાની સ્વાસ્થયપ્રદ ઓર્ગેનિક ખેતી કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી ઉદાહરણરૂપ બન્યો છે.