- લુણાવાડા અને વિરપુરમાં યોજાયું નારી સંમેલન
- લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં યોજાયું નારી સંમેલન
- કાયદાકીય અધિકારોથી મહિલાઓ વાકેફ થાય તેવો સંમેલનનો ઉદ્દેશ્ય
મહીસાગર/લુણાવાડા: ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન લીલાબેન અંકોલિયાએ જણાવ્યું કે, આયોગ પાસે આવેલી ફરિયાદ કોર્ટમાં પહોંચે તે પહેલાં સરળતાથી નિરાકરણ થાય તેવા અભિગમ સાથે કામ કરી રહ્યું છે. આયોગ ક્યારેય નથી ઈચ્છતું કે કોઈનો ઘર સંસાર તૂટે. શક્ય હોય ત્યાં સુધી પ્રશ્નોનું સમજાવટથી નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. રાજ્ય મહિલા આયોગ એક તરફી કામગીરી નહીં કરે. અમારા પાસે આવનારી દરેક ફરિયાદોની તથ્યો-વિગતો તપાસીને ન્યાય કરવામાં આવે છે. આયોગ પુરૂષો જોડે ક્યારેય અન્યાય કરવા માગતું નથી. તેનો ઉલ્લેખ કરતાં શ્રીમતિ અંકોલિયાએ કહ્યું કે, મહિલાઓને પુરૂષ સમોવડી બનવું હશે તો તેમને તેમની સાથે કદમ મિલાવી કામ કરવું પડશે. મહિલાઓએ નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ આપવાથી બચવું જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા, સમાનતા હક્કોનું રક્ષણ અને મહિલાઓનું સશક્તિકરણ રાજ્ય સરકાર અને આયોગની પ્રાથમિકતા છે. સારા સમાજના નિર્માણ માટે મહિલાઓએ આગળ આવવું અનિવાર્ય બની ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
10 હજાર બહેનો જોડે વીડિયો કોન્ફરન્સથી પરામર્શ અને માર્ગદર્શન
મહિલાઓ સાથે અત્યાચાર અને તેમના શોષણ પાછળ મહદ અંશે શિક્ષણનો અભાવ કારણભૂત હોય છે. જેથી એક સારા સમાજના નિર્માણ માટે માટે આપણી દીકરીઓને ભણાવવી એટલી જ જરૂરી છે. રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેક યોજના અમલમાં મૂકી નવા આયામો ઉભા કર્યાં છે. જેમાં નારી અદાલત, મહિલા પોલીસ સ્ટેશન, 181 હેલ્પલાઈન જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. કોરોના કાળમાં ઘરેલુ હિંસાના અનેક બનાવો સામે આવ્યા. આ સ્થિતિમાં આયોગ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 હજાર બહેનો જોડે પરામર્શ કરીને સીધું માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉપરાંત લગ્નજીવનમાં આવતી સમસ્યાઓના નિરાકરણ માટે લગ્ન પહેલાં કાઉન્સેલિંગની સેવા આયોગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને પતિ-પત્ની શિક્ષકના કિસ્સામાં બન્ને સાથે રહે તેવી વ્યવસ્થા કરવા શિક્ષણ વિભાગને ભલામણ રાજ્ય મહિલા આયોગ દ્વારા કરવામાં આવી રહી હોવાનું શ્રીમતિ અંકોલિયાએ ઉમેર્યું હતું.
રાજ્યમાં 270 જેટલી નારી અદાલત કાર્યરત
શ્રીમતિ અંકોલિયાએ જણાવ્યું કે, મહિલાઓનાં પ્રશ્નોનુ ઘરઆંગણે નિરાકરણ અને ન્યાય મળે તે માટે રાજ્યમાં 270 જેટલી નારી અદાલત કાર્યરત છે. આ અદાલતમાં 400 જેટલી બહેનો કામ કરી રહી છે અને 4,000 જેટલી બહેનો સ્વેચ્છાએ નારી અદાલત સાથે જોડાયેલી છે. જે છેવાડાના વિસ્તારમાં મહિલાઓ સાથે અનિચ્છનિય બનાવ બનતો હોય તો તેની જાણકારી પહોંચાડે છે.
318 નારી સંમેલન યોજી 2.50 લાખથી વધુ મહિલાઓને માર્ગદર્શન
ગુજરાત રાજ્ય મહિલા આયોગના કાયદાકીય અધિકારી શ્રીમતિ ભારતીબેન ગઢવી જણાવ્યું કે, લીલાબેન અંકોલીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા આયોગ દ્વારા 60,000 થી વધુ પશ્નોનું નિરાકરણ કર્યું છે. તેમજ 318 જેટલા નારી સંમેલન યોજી 2.50 લાખથી વધુ મહિલાઓને સીધું માર્ગદર્શન પહોચાડ્યું છે. આમ, રાજ્ય મહિલા આયોગ દ્વારા સતત મહિલાઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકે જણાવ્યું હતું કે, મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમનું શોષણ શિક્ષણના માધ્યમથી જ અટકાવી શકાશે. જેથી મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધવાથી મહિલાઓનું શોષણ અને તેમના પર થતા અત્યાચાર અટકાવી શકાશે. સાથે જ પુરુષ પ્રધાન સમાજમાં વ્યાપ્ત સામાજિક દુષણોને ડામી શકશે તેમ જણાવ્યું હતું.
250થી વધુ નારી અદાલત શરૂ કરનારું દેશનુ પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે, મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી અંકોલિયાએ મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી પહેલરૂપ કામગીરી કરી છે. સમગ્ર દેશમાં 250 થી વધુ નારી અદાલત શરૂ કરનારું દેશનુ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. સાથે જ તેમણે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધી સરકારી યોજનાઓ વિશે મહિલાઓ પાસેથી પ્રતિભાવ મેળવ્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી વિમલ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા અને યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કર્યો હતો. નિષ્ણાંતો-અધિકારીઓ દ્વારા નારી અદાલત, 181 હેલ્પલાઈન, આરોગ્ય વિષયક, સમાજ સુરક્ષા સંબંધિ યોજનાઓ, મહિલાઓના બંધારણીય હક્કો અને ફરજો, મહિલા સશક્તિકરણ અને પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર અંગે વિસ્તૃત જણાકારી અને સમજ ઉપસ્થિત મહિલાઓને આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી આર.બી.અસારી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગના પૂર્વ ચેરમેન ગંગાબેન, વિરપુર તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારી-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.