મહીસાગર: આ વખતે સિઝનનો સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં આનંદ છે. ખેડૂતોનું આખું વર્ષ વરસાદ પર હોય છે. ત્યારે રાજ્યમાં અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાના કારણે જળાશયોનું જળસ્તરની સપાટી ઉપર આવી છે. રાજસ્થાનમાં થયેલ વરસાદથી મહીસાગર જિલ્લાના કડાણા જળાશયોમાં પાણીની આવક વધતા મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આથી મહીસાગર નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.
ભયજનક સપાટી 419 ફુટ: મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે. રાજસ્થાનમાં પડી રહેલા વરસાદને કારણે કડાણા ડેમમાં ધીમી ગતિએ પાણીની આવક થઈ રહી છે. હાલમાં કડાણા ડેમમાં સતત 5000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ત્યારે કડાણા ડેમની હાલની જળ સપાટી 390 ફુટ છે. જયારે ગત વર્ષે આજ દિવસે 391.3 ફુટ હતી.અત્યારે હાઇડ્રો પાવર અને મહી નદીમાં 4500 ક્યુસેક પાણી અને ડાબા કાંઠા કેનાલ મારફતે 275 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફુટ છે.
પાકને જીવતદાન: મહીસાગર જિલ્લામાં ખેડૂતોને ખેતી કરવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહેશે. તેમજ નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા પિયત વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળતા ખેતીના પાકને જીવતદાન મળશે. ચોમાસાના પ્રારંભમાં સારો વરસાદ થતાં સમગ્ર મહીસાગર જિલ્લામાં ખેડૂતોએ સારો પાક થશે. તે આશાએ ખેડૂતોએ ખેતી માટે બિયારણની વાવણી કરી ખેતીનો પ્રારંભ કર્યો હતો, પરંતુ છેલ્લા કેટલા દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. એવામાં કડાણા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.