મહીસાગર: કડાણા ડેમ પણ હાલ ભયજનક સપાટીએ જોવા મળી રહ્યો છે. ઉપરવાસના પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા જળાશય દ્વારા 10 લાખથી વધુ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને મહી નદી ગાંડીતૂર બની છે. મહીસાગર, પંચમહાલ સહિત ખેડાના 106 ગામોને તાકીદ કરી દેવામાં આવ્યા છે. લુણાવાડા મહી નદી કાંઠાના વિસ્તારમાં રાબડીયા, ખારોલ જેવા ગામોને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. ગામે ગામ જઈ પોલીસ તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાએ જવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
14 ગેટ ખોલવામાં આવ્યા: મહીસાગર કડાણા ડેમમાં હાલ 3 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં 3 લાખ 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 14 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને લઈ નીચાણવાળા નદી કાંઠાના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ માલ-મિલકત તથા પશુઓને નદીના પટમાં ના જવા દેવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાઈ છે. કડાણામાં ડેમ લેવલ 415 ફુટ 11 ઈચ છે.
જળાશયમાં પાણીની આવક: મહીસાગરનો હાડોડ લો લેવલ બ્રિજ યાતાયાત માટે બંધ કડાણા યોજનાના ઉપરવાસમાં વરસાદ થવાથી જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાં આવેલા બજાજ સાગર જળાશયમાંથી 4,91,161 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. પાણીની આવકને ધ્યાને લેતા કડાણા તાલુકાના ઘોડિયાર લો લેવલ બ્રિજ અને તાતરોલી લો લેવલ બ્રિજ તેમજ લુણાવાડા તાલુકાનો હાડોડ લો લેવલ બ્રિજ યાતાયાત માટે બંધ કરવા જણાવાયું છે. હાલ તંત્ર એલર્ટ મોડ સાથે તકેદારીના પગલાં લેવા માટે સજ્જ છે.
આભ ફાટ્યું: મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં આંકડા પ્રમાણે જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 167 મિમી, વિરપુરમાં 205 મિમી, સંતરામપુરમાં 82 મિમી, કડાણામાં 58 મિમી, ખાનપુરમાં 56 મિમી અને બાલાસિનોરમાં 132 મિમી વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં આભ ફાટ્યું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં લુણાવાડા તાલુકામાં 6.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. વરસાદ પ્રભાવિત વિસ્તારમાં સતત વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી.