મહીસાગર : જિલ્લાના ખાનપુર તાલુકાના નવાગામ તેમજ કડાણા તાલુકાના પીથાપુર અને ડિટવાસ ગામમાં આદિવાસીમાં લોકપ્રિય એવો ચાડીયાનો મેળો ભરાયો હતો. જેમાં આજુબાજુના આદિવાસીઓ નાચગાન સાથે ચાડીયાનો વરઘોડો કાઢી ચાડીયાને ઉંચે બાંધી તેને છોડવા માટે આદિવાસી યુવાનો પડાપડી કરતા હોય છે. ચાડીયાને છોડતો રોકવા માટે આદિવાસી મહીલાઓ મોટી મોટી સોટીોઓ લઇને આવે છે અને ચાડીયો છોડવા માટે જતા યુવાનોને મારતી હોય છે. આ પ્રકારે ગામડાઓના પટ્ટામાં આમ તો ધુળેટીના બીજા દિવસથી જ દરેક ગામમાં અલગ દિવસે આ ચાડીયાનો મેળો યોજાઇ છે.
આદિવાસીઓનો આ છેલ્લો મેળો હોવાથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડે છે. જેથી મેળો આકર્ષક અને માણવા લાયક બની જાય છે. ચાડીયાનો મેળો એ આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે. વર્ષો જુની પરંપરા મુજબ આદિવાસીઓ હોળી પછી એકમથી અમાસ સુધી ચાડીયાનુ પર્વ ઉજવે છે. પહેલાના જમાનામાં ગામમાં કોઈપણ પ્રકારનો ચાડીયો કરનાર વ્યકિતને ગામ બહાર કાઢવામાં આવતો અને ચાડી ખાનારને બધા ગામ બહાર વાજતે ગાજતે મુકી આવતા. આ પરંપરાને નિભાવવા ગામમાં ચાડીયાના મેળાનું આયોજન કરાઇ છે. ચાડીયાનુ પૂતળું બનાવી થાંભલા ઉપર લટકાવાય છે અને આદિવાસી યુવાનો થાંભલા ઉપરથી ચાડીયાના પૂતળાંને ઉતારી ગામ બહાર મૂકી આવે છે. આમ, વર્ષો જુની પરંપરા આદિવાસી સમાજમાં આજે પણ ચાલે છે અને આ ધામધૂમથી ચાડીયાનો મેળો ઉજવાય છે.