રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિઓથી ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ 2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે જિલ્લા કલેક્ટર આર.બી.બારડનાં માર્ગદર્શન હેઠળ ખરીફ કૃષિ મહોત્સવનું આયોજના જિલ્લાના તમામ તાલુકા દીઠ સવારના 9:00 કલાકે રાખવામાં આવ્યું હતું. જેમાં લુણાવાડા તાલુકા કક્ષાનો ખરી કૃષિ મહોત્સવ 42 પાટીદાર સમાજઘર, ધોળી, લુણાવાડા ખાતે રાજ્ય કક્ષાના નર્મદા, શહેરી અને ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલ તેમજ મહીસાગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈઓ અને બહેનોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
ખરીફ કૃષિ મહોત્સવ દરમિયાન સેમિનાર અને ખેતી લક્ષી વિવિધ સ્ટોલના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકશ્રીઓ, તજજ્ઞો દ્વારા સંબંધિત વિષયોને લગતું માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ માટે આધુનિક કૃષિ યાંત્રિકીકરણ, જળસંચય, ટપક પદ્ધતિ, સંકલિત શિક્ષણ વ્યવસ્થા, વ્યવસાયી કૃષિ, અને બાગાયત પાકોનું ઉત્પાદન વધારીને તેનું મૂલ્યવર્ધિત સંકલિત રોગ-જીવાત નિયંત્રણ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ સંદર્ભે નિષ્ણાંતો અને રાજ્ય કક્ષાના મંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા સમજણ આપવામાં આવી હતી.
આ કૃષિ મહોત્સવ માં કૃષિ ક્ષેત્રે સારી કામગીરી કરનાર ખેડૂતો ને સિલ્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને મંત્રી યોગેશભાઈ પટેલ એ કૃષિને લાગતા પ્રદર્શન સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.