મહીસાગર: જિલ્લામાં બાકોર પાંડરવાડામાં જિલ્લા કક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન શિક્ષણ રાજ્ય પ્રધાને રાજ્ય સરકાર દ્વારા ગરીબો, શોષિતો, વંચિતો, અને સમાજના તમામ વર્ગો લાગૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ જેવી કે, જળ સંચય, ગરીબ કલ્યાણ મેળા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સિંચાઈ, મા કાર્ડ, સેવા સેતુ, કરૂણા અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, એપ્રેન્ટીસ યોજના, રોજગાર ભરતીમેળા, પાણી પૂરવઠા, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાન વિભાવરીબેન દવેએ ખાનપુર તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત પ્રધાન દવેના હસ્તે જિલ્લામાં વિવિધ શ્રેત્રે વિશિષ્ટ સિધ્ધિ અને કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ સહિત 35 વ્યક્તિઓને સન્માન પત્ર અને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન, આદિવાસી નુત્ય અને દેશ ભક્તિના ગીતો રજૂ કરી તમામને મંત્રમુગ્ધ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા આવેલા પ્રધાને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ પણ તેમણે કર્યું હતું. આ પ્રસંગે વિભાવરીબેનની સાથે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલીવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન ખાંટ, જિલ્લા અગ્રણી જે.પી.પટેલ, મુળજીભાઇ રાણા, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા ઉષાબેન રાડા, સરપંચ સરસ્વતીબેન અને જિલ્લા તાલુકાના અગ્રણીઓ સહિત પ્રજાજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.