- કોરોનાના કેસનું સંક્રમણ અટકાવવા સ્વયંભૂ લોકડાઉન
- સાંજના 4 થી સવારના 6 સુધી સ્વયંભૂ લોકડાઉન
- નગરમાં 20 દિવસ માટે બજાર બંધ રાખવા નિર્ણય
બાલાસિનોર: દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અઠવાડિયા પહેલાં બાલાસિનોર તાલુકાનું જેઠોલી ગામ સ્વયંભૂ લોકડાઉન થયા બાદ જનોડ અને કરણપુર ગામમાં પણ ગામ લોકોએ સ્વયંભૂ લોકડાઉન કર્યુ છે. બાલાસિનોરમાં કોરોના કેસનું સંક્રમણ અટકાવવા બાલાસિનોર પ્રાંત ઓફિસરની ઉપસ્થિતિમાં શનિવારે નગરના ડોક્ટર્સ, લાયન્સ ક્લબ, નગરજનો, વેપારી એસોસિએશન, વેપારીઓ, નગરપાલિકા પ્રમુખ, નગર પાલિકાના સભ્યો, ચીફ ઓફિસર ભેગા મળી મીટિંગ યોજી હતી. જેમાં નગર પાલિકા વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ તથા માર્કેટ વિસ્તારમાં આવેલી તમામ દુકાનો, વેપારી એકમની ઓફિસ/ગોડાઉન રેસ્ટોરન્ટ અને ચાની લારીઓ વગેરે સ્વયંભૂ રીતે ખોલવાનો સમય સવારના 6 થી સાંજના 4 સુધી નક્કી કરવામાં આવ્યો છે. તેમજ દરરોજ સાંજના 4 કલાક પછી પોતાનો ધંધો સ્વયંભૂ બંધ રાખી તા.10 /4/21 થી 30 /4/21 સુધી આ નિર્ણયનો અમલ કરાવવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
વધુ વાંચો: હાંસોટ તાલુકાના ઈલાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
નગરના બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા
બેઠકમાં ચીફ ઓફિસર દ્વારા નગરજનોને સરકારની ગાઈડ લાઈન મુજબ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા જણાવ્યું હતું. શનિવારથી જ સાંજના 4 કલાકનું સ્વયંભૂ લોકડાઉન જાહેર થતાં બાલાસિનોર નગરના વેપારીઓ અને લારી - ફેરીયાવાળા ધંધા રોજગાર બંધ રાખતા નગરના બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે.
વધુ વાંચો: મહામારીની ચોથી લહેર વચ્ચે ઇરાનમાં 10 દિવસીય લોકડાઉન