લુણાવાડાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા 2022માં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે, અને તે માટે પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મુકેલ છે અને આ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળના મહીસાગર જિલ્લાના તમામ લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવનાર છે અને જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડાની બેન્ક ઓફ બરોડા શાખા દ્વારા જિલ્લા કલેકટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ માટેના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.
જ્યારે લુણાવાડાની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક શાખા દ્વારા આઠ ખેડૂતોને 11 લાખ રૂપિયાના ધિરાણ માટેના પત્રો મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના ઉપસ્થિતિમાં ખેડૂતોને આપવામાં આવ્યા હતા.