ઉનાળના પ્રારંભે અસહ્ય કાળજાળ ગરમીનો પ્રકોપ, દિન-પ્રતિદિન વધતા કુવા, રીંગ બોર, નદી, તળાવ, જળાશયોમાં પાણી એકાએક ઓસરી જતા ઉનાળની ઋતુમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ફુટેરા ગામમાં અબોલ પશુઓની હાલત દિવસે દિવસે દયનીય બનતી જાય છે. ફુટેરા ગામમાં આજથી 30 વર્ષ પહેલા સરપંચ દ્રારા બોર બનાવવામાં આવ્યો હતો. જેનાથી આજ દિન સુઘી ફુટેરા ગામને પાણી મળી રહ્યું હતું. સ્થાનિકોના પ્રમાણે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી આ રીંગ બોરમાથી મોટર કાઢી જતા છેલ્લા એક મહિનાથી ફુટેરા ગામમાં પાણીની અતિભારે સમસ્યા સર્જાઈ છે.
આ ગામની અંદાજીત વસ્તી 350થી વધારે છે, જે સરકાર દ્વારા લોકોને પ્રાથમિક સુવિઘા ન મળતી હોવાથી સરકાર સામે વિરોઘ દર્શાવ્યો હતો. ફુટેરા ગામમાં પશુઓના પોષણ માટે પાણીની તાતી જરુરિયાત પડે છે. લોકો માટે ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી ખેતી થાય છે, ત્યારે બીજી બાજુ ગામ લોકો પીવાના પાણીના સ્ત્રોતમાં રિંગ બોર સિવાય બીજો કોઈ વિકલ્પ ન મળતા એક કિલોમીટર સુધી ચાલતા જઈ પાણી લેવા જવુ પડે છે.
આ બાબતે ફુટેરા ગામના સ્થાનિક લોકોએ વિરપુર તાલુકા પંચાયતમાં લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. યોગ્ય કાર્યવાહી કરવાની લોકોની માંગ છે. જો સમસ્યાનું નિરાકરણ ન આવે, તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.