બાલાસિનોર: મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં ઘણા લાંબા સમયથી શાકમાર્કેટ પાસે ગોલવાડમાં સબ પોસ્ટ ઓફિસ આવેલી હતી. જે અચાનક જ બંધ કરી દેવામાં આવતા પોસ્ટ ઓફિસના ખાતેદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. બાલાસિનોરમાં સરકારી અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પોતાની શાખાઓ વધારી રહી છે, ત્યારે વર્ષો જૂની આ સબ પોસ્ટ ઓફિસ એકાએક જ બંધ કરી દેવાતા નગરમાં આક્રોશની લાગણી પ્રસરી છે.
બાલાસિનોરની વસ્તી દિન પ્રતિદિન વધતી જાય છે, તેમ નગરમાં સરકારી તેમજ ખાનગી બેન્કોની શાખાઓની સંખ્યા પણ સાથે સાથે વધતી જાય છે અને અન્ય બેન્કિંગ કામકાજ પણ વધતું જાય છે. જ્યારે તેનાથી ઊલટું ઘણા લાંબા સમયથી શાકમાર્કેટ પાસે આવેલી નિયમિત ચાલતી સબ પોસ્ટ ઓફિસ અચાનક બંધ કરી મુખ્ય પોસ્ટ ઓફિસમાં શિફ્ટ કરી દેવાતા આ પોસ્ટ ઓફિસના ખાતેદારોને હાલાકી પડી રહી છે.
પોસ્ટ ઓફિસના ગ્રાહકોને હવે દોઢ માઈલ દૂર જુના બસ સ્ટેશન પાસેની મુખ્ય પોસ્ટ ઓફિસમાં જવું પડશે. આ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ટપાલના અને નાની બચતના કામો માટે પણ અનુકૂળતા રહેતી હતી. આ ઉપરાંત સબ પોસ્ટ ઓફિસનો વિસ્તાર નોન બેન્કિંગ હોવાથી આ વિસ્તારમાં સારી રીતે ચાલતી આ પોસ્ટ ઓફિસ બંધ કરી દેવાતા પ્રજામાં રોષ સાથે કચવાટની લાગણી જન્મી છે.
આ બાબતે પોસ્ટ ઓફિસના સત્તાવાળાઓ ખાતેદારોના હિતમાં સબ પોસ્ટ ઓફિસ આસપાસના વિસ્તાર એટલે કે શાકમાર્કેટ, તળાવ દરવાજા સુધીમાં કોઈ નવું મકાન શોધી અને ફરીથી પોસ્ટ ઓફિસ શરૂ થાય તેવી નગરજનોની તીવ્ર લાગણી છે. પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી આ બાબતે ઘટતું કરી નગરજનોનો અસંતોષ દૂર કરે તે જરૂરી છે.