- કોરોના રસીકરણ માટે તંત્ર દ્વારા નવતર અભિગમ
- લોકોના અનુકૂળ સમયે અને રાત્રી રસીકરણ કેમ્પનું આયોજન
- કુલ 30 રાત્રી સેશન કરવામાં આવ્યા
- 977 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 404 નાગરિકોને બીજો ડોઝ અપાયો
મહીસાગર: જિલ્લાના બાલાસિનોર, ખાનપુર, લુણાવાડા અને વિરપુર તેમ ચાર તાલુકામાં કોરોના રસીકરણ અભિયાન નવતર અભિગમ અપનાવી રાત્રી સેશનનું 6 અને 7 મી સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલાસિનોર તાલુકામાં 11 સેશન, ખાનપુર તાલુકામાં 8 સેશન, લુણાવાડા તાલુકામાં 6 સેશન અને વીરપુર તાલુકામાં 6 સેશન મળી કોરોના રસીકરણ કરી કુલ 30 રાત્રી સેશન કરવામાં આવ્યા છે. જેમાં 45 થી 59 વર્ષના અને 60 થી વધુ ઉંમરના તેમજ 18 થી 44 વર્ષ વયના 977 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ તેમજ 404 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
ત્રીજી લહેરથી બચવા રસીકરણ માટે તંત્રનો અનુરોધ
તંત્ર દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર અને અર્બન સેન્ટર હેઠળના લોકોને વધુને વધુ આવરી લેવા માટે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ જે લોકો રસીકરણમાં બાકી છે તે ઝડપથી રસીકરણનો લાભ લે અને ત્રીજી લહેરથી સુસજ્જ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.