મહીસાગર: જિલ્લાની લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલયના શિક્ષક હિતેશ પંચાલ નેશનલ ઇનોવેશન એવોર્ડ 2020 પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે. ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામ માટે નવતર પ્રયોગ જેમાં વાલી, વિદ્યાર્થી અને શિક્ષક એક રેખામાં ગોઠવવાનો પ્રયાસ કરી અને દત્તક વિદ્યાર્થીઓનો નૂતન અભિગમ આ શિક્ષક દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
આ નૂતન અભિગમ દ્વારા શાળાના પરિણામમાં નોંધપાત્ર સુધારો થયો. વિદ્યાર્થીને દત્તક લેનાર શિક્ષક દ્વારા વ્યક્તિગત અભ્યાસ સુધારણા અંગે માર્ગદર્શન પ્રાપ્ત થયું અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ શરૂ થયા. આ ઇનોવેટીવ આઇડિયા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા રાજ્ય કક્ષાએ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નેશનલ ઇનોવેશન એવોર્ડ-2020 માટે પસંદગી થઈ.