મહીસાગર જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2019-20ના કુલ રૂપિયા 14.48 કરોડથી વધુની સુચિત જોગવાઇના 2,081 કામોની બહાલી આપવામાં આવી હતી.
આ અંગે જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 2018-2019ના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જે તે વિભાગ દ્વારા ઘટતી પ્રક્રિયા હાથ ધરવા, તેમજ આ યોજના હેઠળ ફાળવેલી ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલા ખાંટ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોર, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, ઇનચાર્જ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ચર્ચા વિચારણામાં ભાગ લઇ ગુજરાત પેટર્ન યોજના 2019-20ના કામોને બહાલી આપી હતી.
ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ2019-20માં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની નાણાકીય જોગવાઈ રૂપિયા 959.16 લાખની રકમની મર્યાદામાં કુલ 1,365 કામો અને કડાણા તાલુકાની નાણાકીય જોગવાઈ રૂપિયા 455.32 લાખની રકમની મર્યાદામાં 685 કામો તેમજ છુટા-છવાયા આદિજાતિ વિસ્તારમાં રૂપિયા 34.40ની જોગવાઇ સામે 31 કામો મળી એકંદરે કુલ રૂપિયા 14.48 કરોડની જોગવાઇથી કુલ 2,081 જેટલા કામોનું આયોજન કરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા બહાલી આપવામાં આવી છે.