મહીસાગરઃ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રામજીભાઈને મળેલા પારિતોષિકનો સેવા કાર્યમાં ઉપયોગ કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.
લોકડાઉનનાં મુશ્કેલીના સમયમાં અત્યારે હજારો સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે કપરા સંજોગોમાં કેટલાક સેવાભાવી લોકો રાષ્ટ્રપ્રત્યેની કર્તવ્ય ભાવના છોડતા નથી અને જરૂરિયાતમંદો માટે રાશન કીટ અને ભોજન સેવા કરવાનો અવિરત સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણયા ગામના વતની અને પાલેશ ફળિયા પ્રાથમિક શાળા, કાકચીયાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા રામજીભાઇ વણકરે કે જેઓને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સહિત અનેક નામાંકિત એવોર્ડ પ્રાપ્ત કરી શિક્ષક સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.
અનેક સામાજિક સેવાઓ સાથે સંકળાયેલા રહી સેવા કરી રહ્યા છે. “સેવા પરમો ધર્મ” ને પોતાનો ઉદ્દેશ માની વણકરે પોતાની પરખ ફાઉન્ડેશન સંસ્થા લુણાવાડા દ્વારા સમાજનાં ગરીબ અને જરૂરિયાતમંદ વિધવા, વિધુર, વૃદ્ધ, ઝુપડપટ્ટીમાં રહેતા કામદારો તથા સફાઇ કામદારોને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ પરખ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી ત્રણ હજારથી વધુ લોકોને ભોજન સેવા કરી સેવા કાર્ય કર્યું છે.
આ સાથે જરૂરિયાતમંદ લોકોને ચોખા, તેલ, ચા, ખાંડ, મરચું, હળદર, શાકભાજી સહિતની રાશન કીટ તૈયાર કરી 150થી વધુ રાશન કીટનું શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું છે. તેમાં પણ કોરોના સંદર્ભે સામાજિક અંતર જાળવી આ સેવાયજ્ઞ કર્યો હતો.
રામજીભાઈએ તેમને મળેલા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાંથી પહેલા રૂપિયા 11,000નો ચેક મુખ્યપ્રધાન રાહત ફંડમાં તથા એક દિવસનો પગાર તેમજ ભોજન સેવાયજ્ઞ અને રાશન કીટ વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને સમાજસેવા માટે અન્યોના પ્રેરણાસ્ત્રોત બન્યા છે.