- જિલ્લા બાળ સુરક્ષા એકમે બે બાળલગ્ન અટકાવ્યા
- બાળલગ્ન થઇ રહ્યા હોવાની માહિતી મળતા બાળ સુરક્ષા એકમ દ્વારા સ્થળ તપાસ કરાઈ
- સંયુક્ત કાર્યવાહી તપાસમાં બન્ને લગ્ન બાળલગ્ન હોવાનું સામે આવ્યું
મહીસાગર : જિલ્લામાં બાળ સુરક્ષા એકમને 10 ડિસેમ્બરના રોજ બાલાસિનોર તાલુકાના એક ગામમાં અને 20 ડિસેમ્બરના રોજ લુણાવાડા તાલુકાના એક ગામમાં યોજાઈ રહેલા લગ્ન બાળલગ્ન હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોલીસ વિભાગને સાથે રાખી જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી રેણુકાબેન મેડા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવભાઈ પંડ્યાની સંયુક્ત કાર્યવાહીના અનુસાંધાને સ્થળ તપાસ કરતા બન્ને લગ્ન બાળલગ્ન હોવાનું માલુમ સામે આવ્યું હતું.
બાળલગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા અંગે સમજાવતા બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી
આ અંતર્ગત લગ્ન યોજનારા પક્ષો, સમાજના આગેવાનો અને ગ્રામિણોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમના કાયદાની જાણકારી લીગલ કમ પ્રોબેશન અધિકારી સતીષભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી અને બાળલગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા અંગે સમજાવતા બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી હતી.
વરની 21 અને કન્યાની ઉંમર 18 વર્ષથી વધું હોવી જરૂરી
મહીસાગર જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી રેણુકાબેન મેડાએ અખબારીયાદીમાં જણાવ્યું હતું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ વરની ઉંમર 21 વર્ષ અને કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેવા લગ્ન થાય તો બાળલગ્ન ગણાય છે. બાળલગ્ન કરાવવા સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.