મહીસાગરઃ કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. તમામ વર્ગ અને ક્ષેત્રના લોકો પોતાને બનતી આર્થિક સહાય આ કારોના યુદ્ધ સામે લડવા સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. સંવેદના ભરી મદદ કરીને પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે.
રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા અનેક પગલાં લીધા છે. ત્યારે સરકાર વધુ સક્ષમતાઓથી તેનો મુકાબલો કરી શકે અને આવી પડેલી મહામારીને પહોંચી વળવા મહીસાગર જિલ્લાના શિક્ષકોએ એક દિવસનો પગાર રૂપિયા 1,05,19619 મુખ્યપ્રધાન રાહત ફંડમાં જમા કરાવ્યા છે.
જેમાં મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા લુણાવાડા, બાલાસિનોર અને કડાણા તાલુકાનાં શિક્ષકોનો એક દિવસના પગાર પેટે રૂપિયા 52,33,760નો ચેક પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ શશીકાંત.એચ.પટેલ અને મહામંત્રી નિમેષકુમાર સેવક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીને અર્પણ કરવામાં આવ્યો હતો.
જ્યારે સંતરામપુર, ખાનપુર અને વિરપુર તાલુકાના શિક્ષકોનો એક દિવસનો પગાર રૂપિયા 52,85,859 બેંકમાં મુખ્યપ્રધાન રાહત નિધિ ખાતામાં જમા કરાવ્યા છે. આમ મહીસાગર જિલ્લાના શિક્ષકો દ્વારા રૂપિયા 1,05,19619 મુખ્યપ્રધાન રાહત ફંડમાં જમા કરાવી કોરોના સામેની લડતને મજબૂત કરવા માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.