મહીસાગરઃ મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે કડાણા તાલુકાના વેલણવાડા કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. વેલણવાડા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવતા આ ગામના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં આવરી લેવાયો છે. કલેકટરે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. તેમજ આ વિસ્તારના લોકોનાં ઘરોની મુલાકાત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગ દ્વારા થતી ડોર ટુ ડોર સર્વેમાં સહકાર આપવા અપીલ કરી હતી.
તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી અવર જવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણને ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે આયુર્વેદિક ઉકાળા વિતરણ, સંશમની વટી આયુર્વેદિક ગોળી, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બનું વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રિવ્યુ કર્યો હતો. વધુમાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં લોકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મેડીકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથે સાથે આ વિસ્તારમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ અન્ય લોકોની અવર-જવર પર પ્રતિબંધ તેમજ ઘરોની બહાર ન નીકળવા સૂચના આપી હતી. મુલાકાત વેળાએ ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને થયેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.