બાલાસિનોરમાં સુદર્શન તળાવ પાસે ટેકરી ઉપર વર્ષો જૂનુ ભીડ ભંજન હનુમાન મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે કાળી ચૌદશના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, ત્યાં સાથે સાથે ફટાકડાની ભારે આતસ બાજી જોવા મળે છે. મુંબઇથી અને અન્ય સ્થળોએથી દિવાળી ઉજવવા આવતા વાડસોલના વતનીઓ તહેવારો વતનમાં જ ઉજવે છે. છેલ્લાં પંદર વર્ષથી મુંબઇગરાઓ પોતાના વતન બાલાસિનોરમાં દિવાળી ઉજવે છે. મૂળ બાલાસિનોરના વતની મુંબઇથી આવેલા વણીકોએ દારૂખાનું ફોડી આતશબાજી સાથે કાળી ચૌદશની ઉજવણી કરી હતી.
થોડા વર્ષો અગાઉ આ હનુમાન મંદિરે જવા માટે પગદંડી જેટલો જ રસ્તો હતો. પરંતુ, કેટલાક ઉત્સાહી નગરજનોએ આ સ્થળના વિકાસ માટે બીડું ઝડપી પાકો રસ્તો, મંદિરનું જીર્ણોધ્ધાર, પાણીની સગવડ, દરવાજો, પગથિયાં, રંગ રોગાન, બેસવા માટે આકર્ષક છત્રીની સગવડ વગેરે સુવિધાઓ કરી હતી.
મંદિરમાં રાત્રીના સમયે દારૂખાનું અને આતશબાજી નિહાળવા મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આનંદ માણ્યો હતો. ટેકરી પર કુદરતી સૌંદર્ય ખીલ્યું હોવાથી, અહીં દર શનિવારે દર્શનાર્થીઓ આવે છે. દર વર્ષે કાળી ચૌદશના દિવસે નગરજનો મોટી સંખ્યામાં ભીડ ભંજન હનુમાનના દર્શન કુટુંબ સાથે કરી ધન્યતા અનુભવે છે.