- સંતરામપુર હાઇવે પરથી એક કારમાંથી 200 કિલો ચાંદીનો જથ્થો મળ્યો
- અમદાવાદના બે વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ
- દાહોદ-ઝાલોદ તરફથી આવતી કારને પોલીસે ઝડપી
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુર હાઇવે પરથી પસાર થતી એક કારમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી અંદાજિત રૂપિયા એક કરોડની કિંમતની 200 કિલો ચાંદીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ મામલે સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો જથ્થો ઝડપ્યો છે. તેમજ અમદાવાદના બે વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ-ઝાલોદ તરફથી આવતી શંકાસ્પદ કારનો પોલીસે કર્યો પીછો
સંતરામપુર પોલીસ બાયપાસ મીરા હોસ્પિટલ પાસે નાકાબંધીમાં હતી. તે દરમિયાન દાહોદ-ઝાલોદ તરફથી આવી રહેલા કાર ચાલકે પોલીસને જોઈ પરત ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે આ શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન કારને ઝડપી તપાસ કરવામાં આવતા 200 કિલો ચાંદી ઝડયાયુ હતુ.

કારની સીટ નીચેથી ઝડપાયુ 1 કરોડનું ચાંદી
આ કારમાં સવાર 2 વ્યક્તિઓ સવાર હતા. આ બંન્ને વ્યક્તિઓની પુછપરછ દરમિયાન તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે કારમાં તપાસ કરતાં સીટની નીચે રાખવામાં આવેલી બેગમાંથી એક કરોડની કિંમતનું 200 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો.

સંતરામપુર પોલીસને મળેલી ચાંદીનો જથ્થો તેમજ કાર જપ્ત કરી હતી. કારમાં સવાર લોકોની તપાસ કરતાં બન્ને વ્યક્તિઓ અમદાવાદ નારણપુરામાં રહેતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત બંને વેપારીઓ પરાગ પ્રવિણ શાહ તેમજ અમરીશ શાંતિલાલ શાહ માણેક ચોકમાં દુકાન ધરાવે છે. પોલીસે બંન્ને વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.