ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળતી ન હતી અને વરુણ દેવ રિસાયા હોય તેવું લાગતું હતું. જેના કારણે જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા. જિલ્લા મેઘ મહેર થાય તે માટે નિતનવા પ્રયાસો કરી વરુણદેવને રિજવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે મધ્ય રાત્રિથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થતાં જિલ્લા વાસીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, મહિસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોનો ઉભો પાક સુકાતો હતો. જ્યારે બાલાસિનોર તાલુકામાં સૌથી વધારે 122 મિમી, વિરપુર તાલુકામાં 39 મિમી, સંતરામપુર તાલુકામાં 19 મિમી, ખાનપુર તાલુકામાં 7 મિમી, લુણાવડામાં 8 મિમી અને કડાણા તાલુકામાં 3 મિમી વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં એવરેજ 748 મિમી વરસાદ ચોમાસામાં વરસતો હોય છે. જેની સામે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 218 મિમી વરસાદ સાથે 27.83 ટકા વરસાદ વરસ્યો છે.