મહીસાગરઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના સંકટ કાળમાં પણ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઈ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઇ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એસ.બી.શાહની રાહબરી હેઠળ ખાનપુર તાલુકાના મુડાવડેખ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રના મેડીકલ ઓફિસર અને તેમની આરોગ્ય ટીમ દ્વારા સગર્ભા મહિલાઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં મહિલાઓની સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ તપાસ કરવામાં આવી હતી. આ તપાસણી દરમિયાન દરેક સગર્ભા બહેનોનું થર્મલ સ્ક્રિનીંગ, spo2,બી.પી., આર.બી.એસ. અને આઇએલઆઇ તેમજ સારીની ચકાસણી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં સગર્ભા મહિલાઓને કોરોના મહામારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સદર કેમ્પ દરમિયાન સગર્ભા મહિલાઓએ માસ્ક પહેરીને તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવ્યું હતું. આમ કોરોનાના સમયમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઈ રહે અને તે નિરોગી રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.